Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખા મંડળના બેટ દ્વારકા નજીકના દરિયામાં અન્ય ફિશિંગ બોટના રજીસ્ટ્રેશન નંબર લગાવીને ફિશરીઝ વિભાગને ખોટી માહિતી આપીને અનઅધિકૃત રીતે ટોકન મેળવી, માછીમારી કરતા જુદા જુદા બે આસામીઓ સામે ગુનો નોંધાયો છે. આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં રહેતા મંજૂરભાઈ ઓસમાણભાઈ જીકર નારીયા નામના 44 વર્ષના માછીમાર શખ્સએ સુનિયોજિત રીતે કાવતરું રચીને અલ હયાતુલનબી નામની આઈ.એન.ડી. જી.જે. 37 એમ.એમ. 490 નંબરની તેની માછીમારી બોટ તૂટી ગઈ હોવા છતાં તેણે માંગરોળ ખાતેથી એક નવી બોટ બનાવી અને તે બોટના આઈ.એન.ડી. જી.જે. 11 એમ.એમ. 2104 નામનું નંબર લખી અને આ પાટિયું લગાવીને ફિશરીઝ વિભાગ સાથે ઠગાઈ કરવાના ઈરાદાથી બોટની ખોટી માહિતી આપવામાં આવી હતી
આમ, જી.જે. 11 એમ.એમ. 2104 રજીસ્ટ્રેશનની બોટ ન હોવા છતાં પણ ખોટા નામની બોટનો ઉપયોગ કરી અને સરકારના દરિયામાં માછીમારી કરવા અંગેની મંજૂરી માટે અપાતા ઓનલાઈન ટોકનમાં ખોટી માહિતી ભરીને તે ટોકનનો ખરા તરીકે ઉપયોગ કરીને ઉપરોક્ત શખ્સ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જે અંગે બેટ દ્વારકા પોલીસ મથકમાં ઉપરોક્ત શખ્સ સામે આઈ.પી.સી. કલમ 465, 467, 468, 471 તથા 120-બી મુજબ ગુનો નોંધી, આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે.
આ જ રીતે અન્ય એક પ્રકરણમાં બેટ દ્વારકા વિસ્તારમાં રહેતા હમીદ અદ્રેમાન મુસાભાઈ પાંજરી નામના માછીમાર શખ્સ દ્વારા પણ તેની “ખ્વાજા કા કરમ” માછીમારી બોટ ઉપરથી “સ્વીટ મદીના” રજીસ્ટ્રેશન નંબર આઈ.એન.ડી. જી.જે. 37 એમ.એમ. 1555 ની ન હોવા છતાં પણ ઉપરોક્ત શખ્સએ માછીમારી બોટલ પર રજીસ્ટ્રેશન નંબર આઈ.એન.ડી. જી.જે. 37 એમ.એમ. 1555 નંબર લખી અને આ પાટિયું લગાવીને ફિશરીઝ વિભાગ સાથે ઠગાઈ કરવાના ઈરાદાથી ખોટી માહિતી આપીને ઉપરોક્ત નંબરની બોટ ન હોવા છતાં પણ ખોટા નામની બોટનો ઉપયોગ કરીને સરકારના દરિયામાં માછીમારી કરવા જવા અંગેની મંજૂરી આપતા ઓનલાઈન ટોકનમાં ખોટી માહિતી ભરીને આ ટોકનનો ખરા તરીકે ઉપયોગ કરી અને સતત આઠેક વર્ષ સુધી માછીમારી કરવામાં આવી હોવાનું જાહેર થયું છે, આ પ્રકરણમાં પણ પોલીસે આઈપીસી કલમ 465, 467, 468, 471 તથા 120-બી મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી બેટ દ્વારકાના ઈન્ચાર્જ પી.આઈ. વી.આર. શુક્લ દ્વારા હાથ ધરવામાં આવી છે.
(તસ્વીર સૌજન્ય:ગુગલ)