Mysamachar.in-જામનગર:
જામનગર સહિત રાજ્ય સરકારની કચેરીઓમાં ઓફલાઈન કામગીરીઓ દરમિયાન લાખો અરજદારો અને અધિકારીઓ તથા કર્મચારીઓ પરેશાન થતાં હતાં, તેઓ સૌ માટે ઝડપી અને સારૂં વાતાવરણ તૈયાર કરવા તથા સરકારના વિવિધ વિભાગોને ડિજિટલ ઈન્ડિયાની તરાહ પર ઓનલાઈન બનાવવા ગુજરાત સરકાર ઘણાં વર્ષોથી પ્રયાસો કરી રહી છે પરંતુ આટલાં વરસો બાદ પણ રાજ્યમાં ઓનલાઈન કાર્યવાહીઓ અને કામગીરીઓ સુપેરે ચાલતી નથી, બધે જ ફરિયાદોના ઢગલાં. અરજદારો, અધિકારીઓ અને કર્મચારીઓ માનસિક તણાવ અનુભવી રહ્યા છે.
જામનગર સહિત રાજ્યભરમાં છેલ્લા ઘણાં સમયથી આરટીઓ કચેરીઓની વાહન ફીટનેસ અને લાયસન્સ સહિતની વિવિધ ઓનલાઈન પ્રક્રિયાઓમાં સર્વર ડાઉન સહિતની મગજમારી ચાલી રહી છે. સમગ્ર રાજ્યમાં આ કામગીરીઓમાં વિલંબ અને અંધાધૂંધીભરી સ્થિતિ છે. એ જ રીતે જામનગર સહિત સમગ્ર રાજ્યમાં પૂરવઠા વિભાગમાં પણ ઓનલાઈન કામગીરીઓમાં જાતજાતના લોચા છે. સસ્તા અનાજની દુકાનોના સંચાલકો અને લાખો રેશનકાર્ડધારકો તથા અધિકારીઓ પરેશાન છે. થમ્બ (અંગૂઠા)ની છાપથી માંડીને વિવિધ કામોમાં સમસ્યાઓ છે.
આવી જ રીતે ઈ-ધરા પણ સારી રીતે ઓપરેટ થતું નથી. ગ્રામ્ય વિસ્તારોના લાખો અરજદારો, ઓનલાઈન કામગીરીઓમાં ભારે વિલંબ અને સર્વર ડાઉન જેવી સમસ્યાઓથી ત્રાહિમામ્ પોકારી ગયા છે. ખેડૂતો સહિતના અનેક ગ્રામજનો પોતાના ઈ-ધરા સંબંધિત કામો માટે સરકારી કચેરીઓમાં ધક્કા ખાય રહ્યા છે. આ પ્રકારની તમામ ટેક્નિકલ બાબતો ગાંધીનગરથી કોણ ઓપરેટ કરે છે, ક્યા વિભાગ અને ક્યા અધિકારીઓની આ બધી બાબતો અંગે શું જવાબદારીઓ છે, એ વિષે અરજદારો તો ઠીક સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓ પાસે પણ કશી માહિતીઓ હોતી નથી. સૌ એક જ જવાબ આપે:ઉપરથી બંધ છે, ઉપરથી ફોલ્ટ છે. લાખો લોકો પૂછે છે, ‘ઉપર’ એટલે કોણ ? લોકોના આ પ્રશ્નોનો અધિકારીઓ પાસે જવાબ હોતો નથી.
માત્ર રાજ્ય સરકારમાં જ આવું છે એમ નથી. ડિજિટલ ભારતના કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં પણ ઓનલાઈન ધાંધિયા ઘણાં ચાલી રહ્યા છે. દાખલા તરીકે સરકારે એવી સિસ્ટમ શરૂ કરી છે કે, કરદાતાઓને આવકવેરા અધિકારીઓ પરેશાન ન કરે તે માટે, ફેસલેસ એસેસમેન્ટ નામની પ્રક્રિયાઓ ચાલે છે. આ આખી સિસ્ટમમાં અધિકારીઓ કામનું ભારણ એટલું બધું રહે છે કે, આવકવેરા તંત્રના ઘણાં અધિકારીઓ તો થાકી-કંટાળીને સ્વૈચ્છિક નિવૃત્તિ લ્યે છે, આ રીતે નોકરી છોડી દેવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ગુજરાત આવકવેરામાં પણ ઘણાં અધિકારીઓ નોકરી છોડી રહ્યા છે.
ફેસલેસ એસેસમેન્ટ સિસ્ટમ પર કલાકો સુધી કામ કરતાં અધિકારીઓએ સાથેસાથે સ્વચ્છતા અભિયાન જેવા કાર્યક્રમોમાં વ્યસ્ત રહેવાનું હોય, વચ્ચે વચ્ચે યોગા કલાસમાં જવાનું અને સાથેસાથે ફેસલેસ એસેસમેન્ટ માટેની વિવિધ તાલીમ, તેની પરીક્ષાઓ, તેમાં નાપાસ થાય તો ફરી પરીક્ષાઓ અને સાથે સાથે કચેરીઓમાં ફેસલેસ એસેસમેન્ટ માટેની મોડી સાંજ તથા રાત્રિ સુધી ચાલતી કામગીરીઓ- આ બધી બાબતોથી કંટાળી આવકવેરા વિભાગના ઘણાં અધિકારીઓ નોકરી પણ છોડી રહ્યા છે અને જેઓ હાલ ફરજો પર છે, તેઓ પણ ઘણી તકલીફોનો અનુભવ કરી રહ્યા હોય, અધિકારીઓમાં પણ ડિજિટલ પ્લેટફોર્મ અંગે બહુ ઉત્સાહ જણાઈ રહ્યો નથી.(symbolic image source:google)