Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં વર્ષોથી ફાયર સળગતો મુદ્દો છે, અવારનવાર હાઈકોર્ટ પણ સરકારને કાનૂની ફડાકાઓ ખેંચે છે, આમ છતાં સમગ્ર રાજ્યમાં રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ પણ લાલિયાવાડીઓ ચાલી રહી છે. આજથી નવરાત્રિ મહોત્સવ શરૂ થઈ રહ્યો છે, સરકારે તથા દરેક મહાનગરપાલિકાએ આયોજકો માટે ફાયર અને ઈમરજન્સી માટે ગાઈડલાઈન બનાવી છે પરંતુ જામનગરમાં ખૂબીની વાત એ છે કે, નવરાત્રિ મહોત્સવ દરમિયાન આયોજકોએ નવ રાત્રિ વખતે ફાયર સંબંધિત શું શું ધ્યાન આપવાનું થાય છે, એ અંગે કોઈ, ક્યાંય, કશુ બોલતું નથી. મહાનગરપાલિકાની ફાયર શાખાએ આ માટેની ગાઈડલાઈન બનાવી છે પરંતુ ‘કબાટ’ મૂકી રાખી હોય તેવો ઘાટ છે, સ્વચ્છતા હી સેવાની અખબારી યાદી દિવસમાં બે ત્રણ વખત જાહેર કરનાર સતાધીશો નવરાત્રિ મહોત્સવ આયોજકો માટેની ફાયર સંબંધિત આ ગાઈડલાઈન જાહેર કરવાનું (ધરાર) ભૂલી ગયા છે.

આ ગાઈડલાઈનમાં ફાયરશાખા કહે છે: નવરાત્રિ આયોજનના સ્થળે ફાયરનું વાહન આવી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવાની રહેશે, સ્કૂલ કે હોસ્પિટલ અથવા જવલનશીલ પદાર્થના ગોદામ નજીક નવરાત્રિ આયોજન કરી શકાશે નહીં. નજીકમાં કયાંય ઈલેક્ટ્રીક જોખમ ન હોવું જોઈએ. આયોજનમાં એક પણ સ્ટોલ બનાવી શકાશે નહીં, આગ લાગી શકે તેવા ઘન અથવા પ્રવાહી પદાર્થનો સંગ્રહ કરી શકાશે નહીં.
ફાયર પ્રિવેન્શન માટે જણાવાયું છે કે, નો સ્મોકિંગ ઝોન અને એક્ઝિટ તથા ઈમરજન્સી એક્ઝિટ જેવા બોર્ડ યોગ્ય રીતે લગાવવાના રહેશે. ઈલેક્ટ્રીક વાયરિંગની સત્તાવાર ચકાસણીઓ કરાવવાની રહેશે. ડીઝલ જનરેટર સેટ વગેરે પંડાલથી દૂર રાખવા પડશે. ઈલેક્ટ્રીકના મુખ્ય સ્વિચ બોર્ડ સ્ટાન્ડર્ડ હોવા જોઈએ. પંડાલમાં કે પંડાલની બહાર રસોઈની સામગ્રી રાખી શકાશે નહીં. હવન કરતી વખતે ફાયર સેફટી સુવિધાઓનો ખ્યાલ રાખવો પડશે. દીવા નીચે રેતી રાખવાની રહેશે. ફાયર તાલીમ પામેલા લોકોને હાજર રાખવાના રહેશે. સંભવિત આગ ઓલવવા માટેની જરૂરી વ્યવસ્થાઓ કરવાની રહેશે. (નવરાત્રિ મહોત્સવ દરમિયાન આમાંથી કેટલાં નિયમોનું, ક્યાં ક્યાં પાલન થઈ રહ્યું છે, એ અંગેની હકીકતો નવરાત્રિ મહોત્સવ દરમિયાન બહાર આવી જશે).
