જામનગરનો શ્રાવણી લોકમેળો આ વર્ષે બરાબર ચકડોળે ચડ્યો છે, હજુ બધું જ પાર નથી પડ્યું. હાલમાં મેળાના સ્થળ પર ચકાસણીઓ ચાલી રહી છે. દરમ્યાન, કાનૂની જંગમાં અરજદારની મેળા યોજવા સામેની મનાઈહુકમની માંગ હાલ જો કે ફગાવી દેવામાં આવી છે. એટલે હવે મહાનગરપાલિકા ચોક્કસ નિયમોને આધીન રહીને મેળો યોજવા બાબતે આગળ વધી શકશે કે આ કાનૂની જંગ હજુ આગળ વધશે, એ બાબતનો નિર્ણય હજુ હવે થશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, એક તબક્કે નીચલી અદાલતે મેળા વિરુદ્ધનો એક અરજદારનો દાવો ફગાવી, તેને દંડનો પણ હુકમ કરેલો. જો કે ત્યારબાદ સેશન્સ કોર્ટ દ્વારા મેળો યોજવા પર હંગામી સ્ટે આપી દેવામાં આવ્યો હતો. અરજદારને થયેલો દંડનો હુકમ પણ ફગાવી દીધો હતો. પછી કાનૂની જંગ લાંબો ચાલ્યો અને હજુ પણ આ વિવાદ પૂર્ણ થયો નથી.
દરમ્યાન આજે, જામનગર મહાનગરપાલિકા વતી રોકાયેલા વકીલે એમ જાહેર કર્યું છે કે, અદાલતે હાલ મેળા વિરુદ્ધની સ્ટેની માંગ ફગાવી દીધી છે. જો કે મહાનગરપાલિકા દ્વારા હાલ મેળો કેવી રીતે યોજવાનો છે તે અંગેની કોઈ સ્પષ્ટતાઓ થઈ નથી. દરમ્યાન, રાજકોટથી એક ખાસ ટીમ જામનગર આવી પહોંચી છે. અને બીજી તરફ જામનગરની અદાલતમાં આ કાનૂની જંગ હજુ પૂર્ણ થયો નથી.
આ ટીમ શું છે ? અને, શું કહી રહી છે ?…
આજે સવારે મેળાના સ્થળ પર રાજકોટની ટીમ નિરીક્ષણ કરી રહી હતી. આ ટીમે જણાવ્યું છે કે, અહીં 14 રાઈડ્સ છે. તમામ રાઈડ્સની ક્ષમતાની તથા મજબૂતીની કડક ચકાસણીઓ કરવામાં આવી રહી છે, તમામ રાઈડ્સના એક એક પાર્ટ્સ તપાસવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારની આ માટેની જે ખાસ SoP છે, તેનું સૌએ પાલન કરવું પડશે. SoP મુજબ બધું જ સંપૂર્ણ સલામત છે કે કેમ, તેની ચકાસણીઓ કરવામાં આવી રહી છે. કયાંય કોઈ આયોજનમાં, કોઈ પ્રકારની કચાશ છે કે કેમ, તે અંગે એક રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવશે. આ રિપોર્ટ મુજબ મહાનગરપાલિકાએ તથા તમામ ધંધાર્થીઓએ વર્તવાનું રહેશે. SoPના પાલનમાં કોઈ જ બાંધછોડ ચાલશે નહીં. બધી જ બાબતો ઓકે થયા બાદ આગળની નિર્ણય અંગેની કામગીરીઓ થશે, તે દરમ્યાન બધી જ બાબતો ઓકે કરવાની રહેશે. આ ટીમમાં માર્ગ મકાન વિભાગના અધિકારીઓ, વીજવિભાગના અધિકારીઓ, યાંત્રિક વિભાગના અધિકારીઓ વગેરે જોડાયા છે અને કડક ચકાસણીઓ ચાલી રહી છે, એમ માર્ગ મકાન વિભાગના મિકેનિકલ શાખાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર પિયુષ બામરોલીયાએ આજે બપોરે જાહેર કર્યું છે.