Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાતમાં એક તરફ શાસકપક્ષ અને સરકારી તંત્રો આગામી લોકસભા ચૂંટણીઓની તૈયારીઓમાં વ્યસ્ત છે, બીજી તરફ IAS સહિતની કેડરના અધિકારીઓની મોટાપાયે બદલીઓ થઈ રહી છે, અને બરાબર એ જ સમયે રાજ્યભરમાં લાખો કર્મચારીઓ આંદોલનનો લાંબો જંગ લડવા સરકારને એલાન આપી ચૂક્યા હોય, આગામી દિવસોમાં પાટનગર ગાંધીનગરમાં દોડધામ અને નવાજૂનીની સંભાવનાઓ જોવામાં આવી રહી છે.
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુકત કર્મચારી મોરચાએ આગામી દિવસોમાં આંદોલન માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ બંન્ને સંગઠન રાજ્યના લાખો કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતાં હોય, જો આ આંદોલન થશે તો તેનો પ્રભાવ બહુ મોટો હશે તે નિશ્ચિત છે. આ બંન્ને સંસ્થાઓએ સરકારને 12 ફેબ્રુઆરી સુધીમાં, જૂની પેન્શન યોજના મુદ્દે નિર્ણય લેવા અને જાહેર કરવા આખરી મહેતલ આપી છે, જો સરકાર કર્મચારીઓના હિતમાં આ મહેતલ સુધીમાં યોગ્ય પ્રતિભાવ નહીં આપે તો, 14 ફેબ્રુઆરીએ આરપારનો જંગ શરૂ થશે.
લાખો કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતી આ બંન્ને સંસ્થાઓએ, ડાયરેક્ટ મુખ્યમંત્રીને વિસ્તૃત પત્રો લખી જણાવ્યું છે કે, 12 ફેબ્રુઆરી સુધીમાં બધાં જ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા અને સમાધાન મુજબના બાકી પડતર પ્રશ્નોનો હલ લાવવા જો સરકાર તરફથી યોગ્ય નિર્ણય નહીં થાય તો, 14 ફેબ્રુઆરીએ આંદોલનના શ્રીગણેશ થશે.
કર્મચારીઓના મહામંડળે લખ્યું છે કે, સમગ્ર રાજ્યમાં બધાં જ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા, રાજ્યમાં ફિક્સ પગારની યોજના મૂળ અસરથી દૂર કરી પૂરા પગારમાં ભરતી કરવા સહિતના પડતર પ્રશ્નો સંદર્ભે કર્મચારીઓની અનેક રજૂઆતોના અંતે, ગત્ તા. 16-09-2022 ના રોજ પાંચ મંત્રીઓની કમિટી સાથે બેઠક યોજાઈ હતી. જેમાં કેટલાંક પ્રશ્નોના ઉકેલ આપવામાં આવેલ. સમાધાન મુજબ હજુ પણ કેટલાંક પ્રશ્નોનો ઉકેલ ન મળતાં ગત્ તા. 04-02-2024 ના રોજ, ગાંધીનગર ખાતે કર્મચારી સંયુકત મોરચો અને કર્મચારી મહામંડળના હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી. જેમાં દરેક જિલ્લાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતાં.
આ બેઠકમાં બન્ને સંગઠનોએ નિર્ણય લીધો છે. નિર્ણયમાં કહેવાયું છે કે, જો સરકાર 12 ફેબ્રુઆરી સુધીમાં ઉપરોકત નિર્ણય નહીં લ્યે તો, આ બંન્ને સંસ્થાઓ 14 થી 23 ફેબ્રુઆરી દરમિયાન તબક્કાવાર આંદોલન ચલાવશે. જેમાં 14મીએ કાળી પટ્ટી ધારણ કરવી, 15મીએ આવેદનપત્ર, 16મીએ કાળાં કપડાં ધારણ કરવા અને મુખ્યમંત્રીને આવેદન તથા 23મીએ ગાંધીનગર ખાતે ધરણાં કરવામાં આવશે. બન્ને સંગઠનોએ આ પ્રકારના પત્રો મુખ્યમંત્રીને પાઠવ્યા છે.
આ પત્રો કર્મચારી મહામંડળ પ્રમુખ સતીષભાઈ પટેલ અને સંયુકત કર્મચારી મોરચાના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા વગેરેની સહીથી મોકલવામાં આવ્યા છે. બે વર્ષ જેટલાં લાંબા સમયથી સરકાર કર્મચારીઓને ટટળાવી રહી હોય, હવે આ સંસ્થાઓએ આખરી નિર્ણય પર આવી જવું જોઈએ એવી લાગણી કર્મચારીઓમાં સાંભળવા મળે છે.