Mysamachar.in-જામનગર:
જામનગરમાં ઘણી વખત અચરજ સર્જાતા હોય છે, આવું વધુ એક અચરજ મહાનગરપાલિકા અને વીજતંત્ર વચ્ચેના સંકલનના અભાવે ધોરીવાવ નજીકના વિસ્તારમાં જોવા મળી રહ્યું છે. અહીં વીજતંત્ર થાંભલા હટાવે એ પહેલાં મહાનગરપાલિકાએ રસ્તાનું કામ શરૂ કરી દીધું. વીજતંત્રએ ઘણી આળસ દેખાડતાં આ સ્થિતિ ઉભી થઈ છે. જામનગરમાં લાલપુર બાયપાસથી આગળના ધોરીવાવ વિસ્તારને કર્મચારીનગર વિસ્તાર સાથે જોડતો એક સિમેન્ટ માર્ગ બની રહ્યો છે, આ માર્ગ પર વીજતંત્રના થાંભલા વચ્ચે ઉભા છે ! ઈજનેરી કૌશલ્યનો આ ઉતમ નમૂનો લેખાવી શકાય.
Mysamachar.in દ્વારા આ મુદ્દે જામનગર મહાનગરપાલિકાના ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર હિતેષ પાઠકનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. એમના જણાવ્યા અનુસાર, આ જગ્યા પર હજુ સિમેન્ટ રોડ બનાવવામાં આવ્યો નથી. હાલમાં માત્ર PCC વર્ક કરવામાં આવ્યું છે. સિમેન્ટ રોડ હવે બનાવવામાં આવશે. આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું કે, આ વીજથાંભલા હટાવી લેવા બાબતે 10 મહિના અગાઉ વીજતંત્ર(હાપા)ને જાણ કરવામાં આવી હતી.
આ સ્થળે આજની તારીખે થાંભલા શા માટે હટાવવામાં આવ્યા નથી, એ મતલબની જાણકારીઓ માટે Mysamachar.in દ્વારા જામનગર વીજતંત્રના અધિક્ષક ઈજનેર એચ.ડી. વ્યાસનો પણ ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, ગત્ સોમવારે જામનગર મહાનગરપાલિકાના અધિકારીએ આ બાબતે અમારાં હાપા સબડિવિઝનનો રૂબરૂ સંપર્ક કર્યો હતો, સ્થળનો સર્વે કરવામાં આવ્યો છે. સ્થળ પર 13-14 જેટલાં વીજથાંભલા, એક ટ્રાન્સફોર્મર અને LTના 2 થાંભલા હટાવવાની કામગીરીઓ વીજતંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, વીજતંત્ર દ્વારા આ કામમાં અતિ વિલંબ થયો છે એ હકીકત છે પરંતુ સાથેસાથે એ પણ હકીકત છે કે, મહાનગરપાલિકાના સિવિલ વિભાગે પણ આ કામમાં સંપૂર્ણ બેદરકારીઓ દાખવી છે. રોડનું કામ શરૂ કરતાં અગાઉ મહાનગરપાલિકાએ વીજતંત્રને થાંભલા હટાવી લેવા ફરજ પાડવી જોઈએ. બીજું ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર થાંભલાની સંખ્યા બાબતે પણ ઘણું છૂપાવે છે. અહીં સિમેન્ટ રોડ બનાવવામાં કેટલાં થાંભલા હટાવવા પડે, એ અંગે પણ આ અધિકારી પૂરી વિગતો જાણતાં નથી. અહીં રોડ બનાવવાની કામગીરીઓ આ રીતે રાતોરાત શા માટે શરૂ કરી દેવામાં આવી અને આ બાબતમાં 10 મહિનાઓ જેટલો સમય વીતી ગયો ત્યાં સુધી મહાનગરપાલિકાનો સિવિલ વિભાગ શાંત બેઠો અને પછી અચાનક રોડ બનાવવાનું શરૂ કરી દીધું ! વીજતંત્ર પણ અત્યાર સુધી નિંદર માણતું રહ્યું. આ અચરજ સમાચારના માધ્યમથી હાલ લાખો લોકો જોઈ રહ્યા છે, પરંતુ મહાનગરપાલિકાના સિવિલ વિભાગ કે વીજતંત્રને જરાય શરમ નથી આવતી.