Mysamachar.in-અમદાવાદ:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં નવા ફ્લેટ કે ટેનામેન્ટ સહિત કોઈ પણ પ્રકારના મકાન ખરીદનાર અને મકાન વેચનાર બિલ્ડર અથવા ડેવલપર વચ્ચે, સંખ્યાબંધ કેસોમાં વિવાદો ચાલતાં હોય છે, આ પ્રકારના ઘણાં વિવાદો હાલમાં RERA ઓથોરિટી સમક્ષ ચાલી રહ્યા છે. RERA આવ્યા બાદ, મકાન ખરીદનાર ગ્રાહકના હિતોના રક્ષણ બાબતે જાગૃતિ વધવા પામી છે અને ઘણાં કેસોમાં બિલ્ડર્સની મનમાની પર રોક આવી છે.
રિઅલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી-RERA ના નિયમોમાં સ્પષ્ટ કહેવાયું છે કે, બિલ્ડરે ખરીદનાર ગ્રાહકને મકાન સોંપતા પહેલાં ગ્રાહકની મકાન સંબંધિત તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું રહેશે. લોકો આખી જિંદગી કમાણી અને બચત કરીને એક મકાન ખરીદતાં હોય છે, તેઓને ખરીદીમાં કાયદાકીય રક્ષણ મળવું જરૂરી છે. આ રક્ષણ આપતાં RERA એક્ટમાં કરવામાં આવેલી જોગવાઈઓ બિલ્ડર્સ માટે સબક બની શકે છે.
તાજેતરમાં એક ગ્રાહકે ખરીદેલાં નવા મકાનમાં ભેજની સમસ્યા ઉભી થયેલી. આ મામલો RERA સમક્ષ ગયો હતો. જેમાં ઓથોરિટીએ બિલ્ડરને રિપેરીંગનો આદેશ આપ્યો હતો. તમે કોઈ પણ પ્રકારના નવા મકાનનું પઝેશન લીધું હોય અને તે મકાનમાં કોઈ ખામી જણાઈ આવે તો, ગભરાઈ જવાની જરૂર નથી. તમે RERA માં મકાન સંબંધિત ફરિયાદ બિલ્ડર વિરુદ્ધ નોંધાવી શકો છો.
અમદાવાદના વાસણા વિસ્તારમાં એક ગ્રાહકે એક ફ્લેટ ખરીદ્યા બાદ, ફલેટમાં દીવાલોમાં ભેજની સમસ્યા ધ્યાન પર આવતાં તેણે RERA માં ફરિયાદ દાખલ કરી. RERA એ આ સમસ્યા દૂર કરી આપવા બિલ્ડરને આદેશ આપ્યો. નવા બનેલા મકાનમાં સિવિલ વર્કની કોઈ પણ ખામી હોય તો, RERA ના સેક્શન 14(3) હેઠળ ફરિયાદ દાખલ કરાવી શકાય છે.
ઉપરોકત કેસમાં તો એવું બનેલું કે, બિલ્ડરે ભેજ દૂર કરવા સમારકામ કર્યા બાદ પણ દીવાલોમાં ભેજ ફરી આવતાં મામલો RERA સમક્ષ પહોંચ્યો હતો. ઓથોરિટીએ ફરીથી બિલ્ડરને સમારકામ કરી આપવા આદેશ કર્યો અને ફટકાર પણ લગાવી. અત્રે ઉલ્લેખનિય છે કે, કલમ 14(3) કહે છે: મકાનમાં કોઈ પણ પ્રકારની સ્ટ્રક્ચરલ ખામી હોય કે વર્કમેનશિપ (રંગકામ વગેરે)ની ખામી હોય, મકાનના પઝેશનના પાંચ વર્ષ સુધી, આ ખામીઓ દૂર કરવાની જવાબદારીઓ બિલ્ડરની છે. રેરા એક્ટમાં આને હોમ વોરંટી કહેવામાં આવે છે.