Mysamachar.in-ગાંધીનગર:
જામનગર સહિત દરેક મોટાં શહેરમાં મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં અથવા અર્બન ઓથોરિટીના વિસ્તારોમાં, ધડાધડ રહેણાંક માટેના તથા કોમર્શિયલ ઉપયોગના રિઅલ એસ્ટેટ પ્રોજેક્ટ શરૂ થતાં હોય છે અને ખરીદદારો આંખો મીંચી આવા પ્રોજેક્ટમાં મિલ્કતો ખરીદવા, જાહેરાતોથી આકર્ષાઈ બુકીંગ કરાવતા હોય છે. પરંતુ આ ઉતાવળ ખરીદદારને મુશ્કેલીઓમાં મૂકી શકે છે, માટે જાગૃત રહેવું-એવી અપીલ ખુદ ‘રેરા’ પણ કરે છે.
ગુજરાતની રિઅલ એસ્ટેટ ઓથોરિટી(રેરા) ના ધ્યાન પર આવ્યું છે કે, મ્યુનિ. કોર્પોરેશન અથવા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હેઠળ પડતાં ઘણાં વિસ્તારોમાં નવા રિઅલ એસ્ટેટ પ્રોજેક્ટનું બિલ્ડર્સ અથવા ડેવલપર દ્વારા રેરામાં રજિસ્ટ્રેશન કરાવવામાં આવતું નથી અને સાઈટ પર માંડવા બાંધી બુકિંગ શરૂ કરી દેવામાં આવે છે. ખરીદદારો માટે આ એક જોખમી બાબત છે.
જો કોઈ રિઅલ એસ્ટેટ પ્રોજેક્ટ રેરામાં નોંધાયો ન હોય તો, જ્યારે બિલ્ડર્સ પોતાના ખરીદદાર ગ્રાહકને મકાનનો કબજો આપવામાં વિલંબ કરે તો પણ, ગ્રાહક રેરા સમક્ષ રજૂઆત કે ફરિયાદ કરી શકતો નથી. આ ઉપરાંત કોઈ પ્રોજેક્ટ કે મકાનમાં કવોલિટી સહિતની કોઈ બાબતે બિલ્ડર્સ અને ગ્રાહક વચ્ચે વિવાદ થાય, તેવા કેસમાં પણ ગ્રાહક બિલ્ડર્સ વિરુદ્ધ ફરિયાદ કરી શકતો નથી. અંતે ગ્રાહકને પસ્તાવો કરવાનો વારો આવે છે, નુકસાન સહન કરવું પડે છે.
સૂત્ર જણાવે છે કે, આ પ્રકારની સ્થિતિઓ ટાળવા ન નોંધાયેલા રિઅલ એસ્ટેટ પ્રોજેક્ટ વિરુદ્ધ કડક કાર્યવાહીઓ શરૂ કરવા રેરા એ તૈયારીઓ કરી લીધી છે. આવા સંજોગોમાં બિલ્ડર્સને ટોટલ પ્રોજેક્ટ કોસ્ટના 10 ટકાની પેનલ્ટી થઈ શકે છે. જામનગર સહિતના વિવિધ શહેરોમાં આવા નોંધણી વિનાના હજારો પ્રોજેક્ટ ચાલી રહ્યા છે ( સૂત્ર જણાવે છે કે, રેરા સત્તાવાળાઓ આ અંગે મૌન રહે છે)જેમાં ગ્રાહકોના હિત જોખમાય છે.
મોટાભાગના બિલ્ડર્સ તથા લેન્ડ ડેવલપર રેરામાં રજિસ્ટ્રેશન કરાવ્યા વગર જ પ્રોજેક્ટ શરૂ કરતાં હોય છે. પ્રોજેક્ટના ફોટા સાથેની જાહેરાત થાય છે. ગ્રાહક આંખો મીંચી મકાન બુકિંગ કરાવી લ્યે છે. આવા મામલામાં ગ્રાહકની મહેનતની કમાણી સામે જોખમ ઉભું થતું હોય છે. કોઈ ગ્રાહકના ધ્યાન પર આવો રજિસ્ટ્રેશન વિનાનો પ્રોજેક્ટ આવે ત્યારે ગ્રાહકે રેરા તંત્રનું ધ્યાન પણ દોરવું જોઈએ અને શક્ય હોય તો આ પ્રોજેક્ટમાં ખરીદી ટાળવી જોઈએ જેથી ભવિષ્યમાં બિલ્ડર્સ સાથે થનાર સંભવિત વિવાદથી બચી શકાય.(ફાઈલ તસ્વીર)