Mysamachar.in-ગાંધીનગર:
ઘરનું ઘર ખરીદ કરનારાઓ અને આ મકાનો વેચનારા બિલ્ડર્સ અને ડેવલપર વચ્ચે ઘણાં પ્રકારના વિવાદો થતાં હોય છે. વિવાદો લઘુતમ રાખી શકાય અને વિવાદ થાય ત્યારે તેનો સરળતાથી અને ગ્રાહકહિતમાં ઉકેલ લાવી શકાય તે માટે ગુજરાતની RERA ઓથોરિટી સતત ધ્યાન આપી રહી છે. જેને કારણે આ ક્ષેત્રમાં છેતરપિંડીઓ અને વિવાદો પર અંકુશ આવી રહ્યો છે.
તાજેતરમાં RERA ઓથોરિટીએ એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં જણાવાયું છે કે, બિલ્ડર્સ તથા ડેવલપરએ પોતાના પ્રોજેક્ટની જાહેરાતમાં ફરજિયાત રીતે QR કોડ આપવાનો રહેશે. અને, બ્રોશર સહિતની આ જાહેરાતોમાં QR કોડ સરળતાથી કોઈ પણ વ્યક્તિ સ્કેન કરી શકે, એ રીતે આપવાનો રહેશે.
રિયલ એસ્ટેટ પ્રોજેક્ટની તમામ જાહેરાતમાં રેરા વેબસાઈટની URL અને RERA રજિસ્ટ્રેશન નંબર ઉપરાંત QR કોડ પણ ફરજિયાત રીતે અને સરળતાથી સ્કેન થઈ શકે તે રીતે દર્શાવવાનો રહેશે. RERA ઓથોરિટીના ખાસ સચિવ દ્વારા આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ નિયમ 1 ઓક્ટોબરથી અમલી બની ગયો છે, જેનો સંબંધિત તંત્રોએ પૂરતો પ્રચાર હજુ સુધી કર્યો નથી. આ નવા નિયમનું પાલન નહીં કરનાર કસૂરવાર વિરુદ્ધ દંડનીય કાર્યવાહીઓ થશે, એવી ચેતવણી પણ આ પરિપત્રમાં આપવામાં આવી છે.(ફાઈલ તસ્વીર)