Mysamachar.in-અમદાવાદ:
આજકાલ રાજ્યમાં કેટલાય કિસ્સાઓ એવા બની રહ્યા છે કે જેનું પુનરાવર્તન ના થાય તે માટે માયસમાચાર આવા કિસ્સાઓ હમેશા લોકો સમક્ષ મૂકી અને સતર્ક રહેવાનો સંદેશ આપે છે, આજે પણ એક એવો જ કિસ્સો સામે આવ્યો છે, અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક વૃદ્ધાને ડુપ્લીકેટ ચાવી બનાવવી ભારે પડી છે. પોતાની મહેનતનાં 1,37,000 ગુમાવવાનો વારો આવ્યો. આ અંગેની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા વધુ તપાસ હાથ ધરી છે.મણિનગરમાં અર્બુદા સોસાયટીમાં રહેતા ભારતીબેન નામની મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે, બપોરના સમયે તેઓ, તેમની પુત્રવધૂ અને પૌત્રી ઘરે હાજર હતા તે દરમિયાન બે યુવાનો તાળાની ચાવી બનાવવાની બૂમો પાડતા હતા.
જેથી ફરિયાદી એ તેમની તિજોરી તેમજ લોકરની ચાવી બનાવવા માટે તેઓ ને તેમના ઘરે બોલાવ્યા હતા. આ બંને યુવાનો ચાવી બનાવતા હતા ત્યારે તેમને લોકરના તાળામાં ગરમ તેલ નાખવાનુ કહીને ફરિયાદી પાસે ગરમ તેલ મંગાવ્યું હતું. જેથી ફરિયાદી રસોડામાંથી તેલ લઇ ને આવે એટલીવારમાં તો બંને યુવાનોએ તેમને ડુપ્લીકેટ ચાવી આપીને મજૂરી પેટે રૂપિયા 60 લીધા હતા. તેઓ ત્યાંથી રવાના થઈ ગયા હતાં. જોકે, ફરિયાદીને શંકા જતા તેમણે મુખ્ય ચાવીથી લોકર ખોલ્યું હતું. ત્યારે તેમને જાણ થઈ હતી કે લોકરમાં પ્લાસ્ટિકની થેલીમાં મુકેલ રૂપિયા 1 લાખ 37 હજાર ગાયબ હતા. બીજા દાગીના કે અન્ય કોઈ ચીજ વસ્તુ ગાયબ હોવાનુ જાણવા મળ્યુ ના હતું. જેથી તેઓ એ તુરંત જ પોલીસને જાણ પોલીસે ચાવી બનાવવા આવેલા બન્ને શખ્સોની શોધખોળ આદરી છે.