Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
યાત્રાધામ બેટ દ્વારકામાં થતું પ્લાસ્ટિક પ્રદૂષણ વડી અદાલતમાં મહત્વપૂર્ણ મુદ્દો બની ગયો છે. બેટ દ્વારકાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા વડી અદાલત સમક્ષ કાર્યવાહીઓ થઈ રહી છે. જે અનુસંધાને ઓખા નગરપાલિકાએ વડી અદાલતમાં કરેલાં સોગંદનામા પ્રત્યે ભારે અસંતોષ વ્યક્ત કરી, અદાલતે આ સોગંદનામું પાછું ખેંચાવી લીધું છે અને નવું સોગંદનામું દાખલ કરવા નિર્દેશ આપ્યો છે.
બેટ દ્વારકામાં સફાઈની જવાબદારીઓ ઓખા પાલિકાની છે, પાલિકા કહે છે, સાઈટ પરથી કચરાનો નિકાલ કરી દેવામાં આવશે. વડી અદાલતે એવી ટકોર કરી કે, પાલિકાએ વર્ષ 2002 અને 2007 માં પણ સ્વચ્છતા બાબતે નોટિફિકેશન બહાર પાડેલાં, પણ તે મુજબ કામ થયા નથી. કચરા નિકાલ કામગીરીઓ સ્વૈચ્છિક સંસ્થાને સોંપી શકાય નહીં, એ માટે ટેન્ડર બહાર પાડવું જોઈએ.
આ ઉપરાંત હાઈકોર્ટે એમ પણ કહ્યું કે, કચરા નિકાલ બાબતે ચીફ ઓફિસરને નિયમોની ખબર જ નથી. કોઈ સ્વૈચ્છિક સંસ્થા કચરા નિકાલ માટે માસ્ટર ઝોનલ પ્લાન કેવી રીતે બનાવી શકે ? દરમિયાન, ઓખા પાલિકાએ અદાલતને ખાતરી આપી કે, હવે સુદર્શન સેતુ બની ગયો હોય, કચરાનો યોગ્ય નિકાલ કરી શકાશે.(ફાઈલ તસ્વીર)