Mysamachar.in-અમદાવાદઃ
ફરી એકવાર દેશભરની બેંકોમાં હડતાલનું રણશીંગુ ફૂંકાયું છે. મોદી સરકારની આર્થિક નીતિઓના વિરોધમાં 10 કેન્દ્રીય ટ્રેડ યૂનિયનોએ 8 જાન્યુઆરી એટલે કે આવતીકાલે હડતાળની જાહેરાત કરી છે. આ હડતાળમાં બેન્કોના યૂનિયનવાળા પણ સામેલ થવાના છે. સરકારી બેંકોના કેટલાક કર્મચારીઓ આ હડતાલમાં જોડાશે જેની સીધી અસર બેંકના કામમાં થશે. હડતાલ અંગે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું કહેવું છે કે અમારા કેટલાક કર્મચારીઓ પણ આ હડતાલમાં જોડાશે, જો કે તેની કામકાજમાં અસર ઓછી વર્તાશે. તો જે કોઇપણ બેંકના કર્મચારી હડતાલમાં જોડાશે ત્યાં કામકાજ પ્રભાવિત થવાની આશંકા છે. તે સિવાય ATMમાં પૈસાની અછત તથા ચેક ક્લિયરન્સ જેવી સમસ્યા સર્જાઈ શકે છે.
દેશવ્યાપી હડતાળમાં બેન્ક યૂનિયન અખિલ ભારતીય બેન્ક કર્મચારી સંઘ (AIBEA), ઓલ ઈન્ડિયા બેન્ક ઓફિસર્સ એશોસિએશન (AIBOA), બેન્ક કર્મચારી ફેડરેશન ઓફ ઈન્ડિયા (BEFI), ઈન્ડિયન નેશનલ બેન્ક એમ્લોઈઝ ફેડરેશન (INBEF), ભારતીય રાષ્ટ્રીય બેન્ક અધિકારી કોંગ્રેસ (INBOC) અને બેન્ક કર્મચારી સેના મહાસંઘ (BKSM) સામેલ છે. બેન્ક ઓફ બરોડાને ડર છે કે હડતાળની અસર તેમના કામકાજ પર પડશે. બેન્કે કહ્યું કે તે તેમની બ્રાન્ચના સંચાલન માટે જરૂરી ઉપાય સુનિશ્ચિત કરી રહ્યા છે. આ પ્રકારે કેનરા બેન્કને પણ હડતાળથી કામકાજ પ્રભાવિત થવાની આશંકા છે. સરકારી ક્ષેત્રની સિન્ડિકેટ બેન્ક પણ પ્રસ્તાવિત હડતાળને ધ્યાનમાં રાખી તેમના સંચાલનને સામાન્ય રાખવા માટે જરૂરી પગલા ઉઠાવી રહ્યા હોવાનું જણાવ્યું હતું.