Mysamachar.in-ગુજરાત:
બેંકોની લોકર વ્યવસ્થા અંગે ઘણાં ખાતેદારોને ફરિયાદો હોય છે. આવી ઘણી ફરિયાદો રિઝર્વ બેન્કની વડી કચેરી સુધી પહોંચતા હવે વ્યવસ્થામાં ફેરફારનો આદેશ છૂટ્યો છે. બેન્ક લોકરોની સલામતી પણ અવારનવાર ચર્ચાઓમાં સ્થાન મેળવતી હોય છે, એ પણ અત્રે ઉલ્લેખનીય છે.
રિઝર્વ બેન્ક દ્વારા 2021માં લોકર્સ માટે ઘણાં બધાં નિયમો જાહેર કર્યા હતાં. જેમાં પ્રથમ વખત ફેરફારો કરવામાં આવ્યા છે. રિઝર્વ બેન્કે જાહેર કર્યું છે કે, બેન્કોમાં આવવા જવાનાં પ્રવેશદ્વાર, સેઈફ ડિપોઝિટ વોલ્ટ તથા બેન્કોની આંતરિક વ્યવસ્થાઓ પર દેખરેખ માટેની જગ્યાઓ પર CCTV કેમેરા લગાવવાના રહેશે. અને, આ તમામ કેમેરાનું રેકોર્ડિંગ ઓછામાં ઓછાં 180 દિવસ સુધી સુરક્ષિત રાખવાનું પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઘણી બેન્કોમાં કેટલાંક લોકર એવાં પણ હોય છે જે લાંબા સમય સુધી ઓપરેટ કરવામાં આવતાં નથી. આ પ્રકારના લોકરમાં બેન્ક કર્મચારીઓ ઉપરાંત અન્ય જાણભેદુઓ દ્વારા ઘણાં કિસ્સાઓમાં કુંડાળા રચાતાં હોય છે, લાંબા સમય સુધી આરોપીઓ પણ પકડાતાં હોતાં નથી. આ પ્રકારના કેસોમાં CCTV કેમેરા યોગ્ય રીતે સંચાલિત થાય તો ઘણાં મદદરૂપ નીવડી શકે. આ નવાં નિયમનો અમલ આગામી પહેલી જાન્યુઆરીથી તમામ બેન્કો માટે ફરજિયાત કરવામાં આવ્યો છે.






