Mysamachar.in-ગાંધીનગર
ગુજરાતમાં દારૂબંધીને લઇને છેલ્લાં કેટલાક સમયથી કેટલાક આગેવાનો કેટલાક લોકો આગળ આવી રહ્યા છે અને દારૂબંધી ગુજરાતમાંથી હટવી જોઈએ તેમ માની રહ્યા છે, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સોશિયલ મીડિયા પર દારૂબંધી હટાવવા માટે અભિયાન પણ ચલાવી રહ્યાં છે. તેઓ દારૂબંધી હટાવવાની તરફેણમાં છે. આ તમામ બાબતો વચ્ચે ગાંધી જયંતી નિમિત્તે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કોઈનું નામ લીધા વિના મોટું નિવેદન આપતા કહ્યું કે, કેટલાક લોકો ગુજરાતમાં દારૂબંધી હટાવવાની વાતો કરે છે, પરંતુ એ શક્ય નથી.
તેઓએ વધુમાં જણાવ્યું કે, નશાબંધી માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે.. કેટલાક લોકો દારૂબંધી હટાવવાથી કરોડોની આવક થાય અને ગુજરાતનો વિકાસ થાય એવો મત ધરાવે છે. પરંતુ ગુજરાત સરકાર દારૂબંધી માટે કટિબદ્ધ છે. દારૂની બદીને કારણે કેટલાય પરિવારો ઉજડી જાય છે. દારૂનો દૈત્ય કેટલીય બહેનોને વિધવા બનાવે છે. સરકાર બહેનોના ચૂડી ચાંદલાની રક્ષા કાજે દારૂબંધી માટે કટિબદ્ધ છે. ગોધરામાં એક કાર્યક્રમ દરમિયાન તેઓએ દારૂબંધી અને તેને હટાવી લેવાની ચાલી રહેલ ચર્ચાઓ ને લઈને વાત કરી હતી.