Mysamachar.in:અમદાવાદ
જામનગર સહિત રાજ્યભરમાં તાલુકા તથા જિલ્લા કક્ષાની અદાલતોમાં ઘણી વખત એવું બનતું હોય છે કે, તપાસનીસ અધિકારી દ્વારા આરોપીને અદાલતનો સમય પૂર્ણ થયાં પછી ન્યાયાધીશ સમક્ષ પેશ કરવામાં આવતાં હોય છે. અથવા, રજાનાં દિવસોમાં આરોપીને જજનાં નિવાસસ્થાને રજૂ કરવામાં આવતાં હોય છે. આ પ્રકારના કિસ્સાઓમાં એવું બનતું હોય છે કે, ઘણી વખત સેન્ટ્રલ ફાઈલિંગ સિસ્ટમ સેન્ટર બંધ હોય છે. જેને કારણે જામીનની અરજીનો નંબર સહિતની વિગતો CFS સેન્ટરમાં નોંધી શકાતી નથી. અને આ નોંધણી ફરજિયાત હોય, આ પ્રકારના કિસ્સાઓમાં આરોપીને જામીન મળવામાં વિલંબ થાય છે. તેને ખોટી રીતે જેલમાં રહેવું પડતું હોય છે.
આ અંગે બાર કાઉન્સિલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેને પગલે હાઈકોર્ટે તમામ અદાલતોને નિર્દેશ આપ્યો છે કે, આ પ્રકારના કિસ્સાઓમાં જામીનઅરજીની સુનાવણીમાં વિલંબ ટાળવો જોઈએ. બાકીની પ્રોસિજર બીજે દિવસે અદાલતનાં સમયે કરી શકાય છે. હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા આ નિર્દેશને પગલે ઘણાં આરોપીઓને રાહત મળશે. જામીનપાત્ર આરોપીઓની મુક્તિમાં વિલંબ ટાળી શકાશે. વડી અદાલતે તમામ અદાલતોને નિર્દેશ આપતી વખતે એમ જણાવ્યું છે કે, તમામ જામીનઅરજી મેજિસ્ટેરિયલ કોર્ટમાં દાખલ થાય કે તરત જ તેની નોંધણી CFS માં કરવાની રહેશે. અને સંબંધિત કોર્ટ સમક્ષ તાત્કાલિક મોકલવાની રહેશે.
હાઈકોર્ટે એમ પણ કહ્યું છે કે, જિલ્લાના CFS સેન્ટર ખાતે જામીન અરજીની નોંધણી વગેરે માટે સ્ટાફની વ્યવસ્થા પ્રિન્સીપલ જયુડિશિયલ ઓફિસર દ્વારા કરવાની રહેશે. ખાસ કરીને અદાલતોમાં ચાલુ દિવસોમાં અને રજાનાં દિવસોમાં પણ કોર્ટ સંકુલમાં અરજન્ટ પ્રોડક્શન કામ હાથ પર લેવામાં આવે ત્યારે પણ આવી નોંધણી માટે જરૂરી વ્યવસ્થા કરવાની રહેશે.
વડી અદાલતે કહ્યું છે કે, જયારે કોઈ પણ જામીન અરજી રજાનાં દિવસે અથવા ચાલુ દિવસમાં મોડેથી મેજિસ્ટેરિયલ કોર્ટમાં રજૂ થાય તે કિસ્સામાં જયુડિશિયલ ઓફિસરે કોઈ પણ પ્રકારના વિલંબ વિના તે અરજીની કાર્યવાહી હાથ ધરવાની રહેશે. CFS નોંધણીની ઔપચારિકતા, કેસ પ્રોસિડીંગસ કે ઓર્ડર અપલોડીંગની કામગીરી તે પછીના દિવસે કોર્ટમાં હાથ ધરવાની રહેશે. CFS સેન્ટરમાં નોંધણીની પ્રક્રિયા પૂર્ણ ન થઈ હોય તેનાં કારણસર કોઈ પણ જામીન અરજીની સુનાવણી કે તેનો નિકાલ વિલંબિત ન રહે તેનું તમામ જયુડિશિયલ ઓફિસરોએ ધ્યાન રાખવાનું રહેશે.