Mysamachar.in:દેવભૂમિ દ્વારકા:
દ્વારકા નજીક નૅશનલ હાઈવે પર કુરંગા ખાતે આવેલી RSPL કંપની, જે ‘ઘડી’ ડીટરજન્ટ તરીકે દેશભરમાં જાણીતી છે, તે કંપનીનો ખરાબ સમય શરૂ થયો છે કેમ કે, પ્રદૂષણ મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જામનગર કચેરીએ, વડી કચેરીના આદેશ બાદ આ કંપનીને તાળું લગાવવાનો હુકમ કર્યો છે. જો કે, આ કાર્યવાહી એટલાં માટે થઈ છે કેમ કે, વડી અદાલતે થોડાં સમય અગાઉ આ મુદ્દે GPCBને નોટિસ ફટકારી હતી, ત્યાં સુધી ખુદ GPCB ધીમી કામગીરી કરી રહ્યું હતું. જામનગર કચેરીએ વડી કચેરીને મોકલેલા રિપોર્ટ પર વડી કચેરીએ લાંબા સમય સુધી પગલાં લીધાં ન હતાં. પરંતુ વડી અદાલત પ્રદૂષણ બાબતે હંમેશા ઝીરો ટોલરન્સ નીતિ અપનાવતી રહી છે.
ઘડી કંપનીના પ્રદૂષણને કારણે એક ખેડૂતની ખેતીની જમીનનો સોથ વળી ગયો છે, આ મામલો સ્થાનિક કક્ષાએ લાંબા સમય સુધી ચાલ્યો, પરંતુ કોઈ જ ઉકેલ ન આવતાં અંતે આ અસરગ્રસ્ત ખેડૂતે વડી અદાલતમાં ધા નાંખી હતી, બાદમાં સૌએ દોડવું પડ્યું છે.
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જામનગર કચેરીએ, આ કંપનીને કલોઝર નોટિસ પાઠવી છે. આ નોટિસ વોટર (પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન) એક્ટ-1974 અને એર( પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન) એકટ-1981 ના સેકશન-31A મુજબ આપવામાં આવી છે, તેનો અર્થ એમ થઈ શકે કે, પાણી અને હવાના પ્રદૂષણ સંબંધે કંપની વિરુદ્ધ આ કાર્યવાહીઓ થઈ રહી છે.
કંપનીને કહેવામાં આવ્યું છે કે, તમોને 23-11-2022ની નોટિસથી જે નિર્દેશો આપવામાં આવ્યા છે તે નિર્દેશોનો તમારે આથી અમલ કરવાનો રહે છે. આ અનુસંધાને કંપનીએ જે કામગીરીઓ કરવાની બાકી રહે છે તે કામગીરીઓ કેટલાં દિવસમાં કરવામાં આવશે, એ માટેનો કંપનીનો એક્શન પ્લાન દાખલ કરો.
12-01-2024ની આ નોટિસમાં કહેવાયું છે કે, 30 દિવસમાં આ પ્લાન્ટ બંધ કરવાનો રહેશે. નોટિસમાં જણાવાયું છે કે, 30 દિવસની અંદર સંબંધિત સત્તાવાળાઓએ, આ કંપનીના સિંગલ ફેઈઝ સિવાયના વીજજોડાણ કાપી નાંખવાના રહેશે. નોટિસમાં એમ પણ કહેવાયું છે કે, જો કંપનીનો પ્લાન્ટ કંપનીના પોતાના પાવર પ્લાન્ટ કે ડીજી સેટ દ્વારા ચાલતો હોય તો પણ 30 દિવસમાં પ્લાન્ટ બંધ કરવાનો રહેશે.
નોટિસમાં ચેતવણી આપવામાં આવી છે કે, જો આ સૂચનાઓનું પાલન કરવામાં કસૂર થશે તો દોઢ વર્ષથી માંડીને છ વર્ષ સુધીની જેલ અને દંડ થઇ શકે છે. નોટિસમાં દર્શાવ્યા મુજબ, આ ઓર્ડર વિરુદ્ધ અપીલની જોગવાઈ છે, 30 દિવસમાં અપીલ કરવી પડે, જે અનુસંધાને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જામનગર કચેરીના મુખ્ય અધિકારી કલ્પના પરમારે આજે Mysamachar.in સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું છે કે, તેઓ આ કાનૂની કાર્યવાહીઓ સંબંધે આજે અમદાવાદ હાઈકોર્ટમાં હાજર રહ્યા છે.