Mysamachar.in-અમદાવાદ:
આયુષ્યમાન ભારત યોજના ખૂબ જ મોટી યોજના છે. કરોડો લોકો આ યોજનાનો લાભ પ્રાપ્ત કરી શકે એવી વ્યવસ્થા છે પરંતુ આ યોજના હેઠળ નોંધાયેલી હજારો હોસ્પિટલ એવી છે જે આ બાબતમાં નિષ્ક્રિય છે, જેથી લાખો લોકો આ સુવિધાઓથી વંચિત છે. સમગ્ર ભારતમાં આ યોજના અંતર્ગત નોંધાયેલી હોસ્પિટલ પૈકી 38 ટકા હોસ્પિટલ એવી છે જે આ યોજના હેઠળ દર્દીઓને સારવાર આપતી નથી. 2018થી અત્યાર સુધીમાં આ યોજના પાછળ કુલ રૂ. 728 અબજનો ખર્ચ થયો છે. ગુજરાતમાં આ યોજના અંતર્ગત નોંધાયેલી હોસ્પિટલો પૈકી 2,552 હોસ્પિટલ દર્દીઓને આ યોજના હેઠળ સારવાર આપતી નથી, એટલે કે નિષ્ક્રિય છે.
આ યોજનામાં 10 કરોડથી વધુ નાગરિકો રૂ. પાંચ લાખનો વ્યક્તિગત વીમો ધરાવે છે. આ યોજનામાં પુષ્કળ ગેરરીતિઓ પણ છે. હજારો ખાનગી હોસ્પિટલ એવી છે જેને સરકારો કરોડો રૂપિયાના બાકી લેણાં ચૂકવતી નથી અથવા અખાડા કરે છે. લાભાર્થીઓનો આંકડો 55 કરોડ આસપાસ હોવાનું માનવામાં આવે છે. કેટલાંક રાજ્યમાં આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર 60 ટકા ખર્ચ ભોગવે છે, કેટલાંક રાજ્યમાં કેન્દ્રનો ખર્ચમાં હિસ્સો 90 ટકા પણ છે. આ યોજના અંગે કુલ 37,903 ફરિયાદ દાખલ થઈ છે. જે પૈકી માત્ર 3,718 ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો છે.