Mysamachar.in-અમદાવાદ
અમદાવાદના પોલીસબેડામાં મહિલા PSI અને મહિલા બુટલેગર વચ્ચેની વાતચીતનો ઓડિયો ચર્ચાનું કેન્દ્ર બની જવા પામ્યો છે, આ મામલે મહિલા બુટલેગર દ્વારા ACBમાં નામજોગ અરજી પણ કરવામાં આવી છે, ત્યારે સવાલો એવા પણ થાય કે બુટલેગરો અને પોલીસની મિલીભગતથી દારૂનો ધંધો ચાલતો હશે….?? વટવા GIDC પોલીસ સ્ટેશનની તત્કાલિન PSI અને હાલમાં મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા PSI એસ.એસ. ગોસ્વામી અને વટવા GIDC વિસ્તારમાં અગાઉ દેશીદારૂનો ધંધો કરતી મીનાક્ષીનો ઓડિયો સામે આવ્યો છે. જેમાં પૈસાની ઉઘરાણી મહિલા PSI કરતા હોવાનું આક્ષેપ કરાયો છે. મહિલાએ ACBમાં કરેલી ફરિયાદમાં વટવા અને વટવા GIDC પોલીસ સ્ટેશનના વહીવટદાર રાજભા નામના પોલીસકર્મી પણ હપ્તા લઈ જાય છે. રાજભા અને મહેન્દ્રસિંહ નામના પોલીસકર્મી સામે ACBમાં અરજી કરી ચુક્યા છે.
વટવા GIDC પોલીસ સ્ટેશનમાં અધિકારી પોલીસકર્મીઓ અને વહીવટદારના મોટા હપ્તાઓ ચાલતા હોવાનો આક્ષેપ સાથેની ઓડિયો કલીપ વાઇરલ થઈ છે. વિનોબાભાવેનગરમાં રહેતી મીનાક્ષીબેન રાઠોડે આક્ષેપો સાથેની ACBમાં અરજી કરી છે કે હાલમાં મણિનગર પોલીસ સ્ટેશનમાં PSI અને પહેલા વટવા GIDC પોલીસ સ્ટેશનના PSI તરીકે ફરજ બજાવનારા એસ.એસ ગોસ્વામી છેલ્લા ચાર મહિનાથી હેરાન કરી રહ્યા છે. ગોસ્વામી નવી ગાડી લાવ્યા છે જેના હપ્તા ભરવા માટે પૈસાની માગ કરે છે અને જો સમયસર હપ્તા નહિ આપે તો તેઓ દારૂના ગુનામાં ફિટ કરાવી દેશે.
મહિલા PSI ગોસ્વામી 5000 રૂપિયા આપવા છતાં વધુ પૈસાની માગ કરે છે. પૈસા ન આપે તો તેના મળતીયા અને હાલમાં વટવા GIDC પોલીસ સ્ટેશનમાં વહીવટદાર રાજભા અને મહેન્દ્રસિંહને મોકલી ડરાવી પૈસા લઈ જાય છે. આ બંને પોલીસકર્મીઓ સામે ACBમાં અરજી કરવામાં આવી છે. છતાં પણ તેઓ આવીને હેરાન કરે છે. આ તમામ સામે ACB દ્વારા કાર્યવાહી કરવા અરજી કરી છે. જો કે સમગ્ર મામલે સત્ય શું તે સચોટ તપાસ થયેથી જ સામે આવશે.