Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાએ પોતાના હસ્તકની જુદી-જુદી આવાસયોજનાઓ ખાતે આવેલી દુકાનોની હરાજી ગઈકાલે શરૂ કરી. જેમાં મહાનગરપાલિકાને સારો પ્રતિસાદ પ્રાપ્ત થયો છે અને પ્રથમ જ દિવસે મહાનગરપાલિકાને રૂ. 6.25 કરોડની આવક થવા પામી હોવાનું મહાનગરપાલિકાએ જાહેર કર્યું છે.
મહાનગરપાલિકાએ ગતરોજ શુક્રવારે શહેરના ટાઉનહોલ ખાતે કોર્પોરેશન હસ્તકની કુલ 92 દુકાનોની જાહેર હરાજી યોજી હતી. જેમાં અંદાજે 70થી વધુ લોકોએ ભાગ લીધો. આ હરાજીમાં બેડી ઓવરબ્રિજ આવાસની 23 દુકાનો, ગોલ્ડન સિટી આવાસની 64 દુકાનો, એમ.પી.શાહ ઉદ્યોગનગર આવાસની એક દુકાન અને મયૂરનગર આવાસની 4 દુકાનની હરાજી કાર્યવાહીઓ કરવામાં આવી હતી.
શુક્રવારે સવારે 9 વાગ્યાથી શરૂ થયેલી આ કાર્યવાહી રાત્રિના 8 વાગ્યા સુધી ચાલી હતી. આ કાર્યવાહી દરમ્યાન કુલ 44 દુકાનોનું વેચાણ હાથ ધરવામાં આવ્યું હતું. આ વેચાણથી મહાનગરપાલિકાને કાલે એક જ દિવસમાં રૂ. 6,25,28,000ની આવક થઈ હતી. આ રકમ દુકાન ખરીદદારોએ 2 માસની અંદર મહાનગરપાલિકામાં જમા કરાવવાની રહેશે.
મહાનગરપાલિકાના હાઉસિંગ વિભાગના નાયબ ઈજનેર અશોક જોષીએ આ વેચાણ કાર્યવાહીઓ અંગે વધુમાં જણાવ્યું છે કે, 544 આવાસ ખાતે ગ્રાઉન્ડ ફ્લોરની 23 અને ફર્સ્ટ ફલોરની 17 દુકાન ઉપરાંત બેડી ઓવરબ્રિજ આવાસ ખાતેની 3 અને એમ.પી.શાહ ઉદ્યોગનગર આવાસ ખાતેની 1 માત્ર દુકાનનું વેચાણ થયું. અને, બાકી રહેલી 48 દુકાનોનું હરાજીથી વેચાણ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.
આ કાર્યવાહી દરમ્યાન નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા તથા આસિસ્ટન્ટ કમિશનર ભાવેશ જાની તથા કાર્યપાલક ઈજનેર હિતેષ પાઠક હાજર રહ્યા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, કોર્પોરેશન હસ્તકની પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગતની આવાસ યોજનાઓમાં આવેલી દુકાનોની જાહેર હરાજી કરવામાં આવી રહી છે.સમગ્ર જાહેર હરાજીનું આયોજન અને સંચાલન સ્લમ વિભાગના નાયબ ઈજનેર અશોક જોષી તથા તેમની ટીમે કરેલું. આ તકે સ્લમ અપગ્રેડેશન સમિતિના ચેરમેન જયેન્દ્રસિંહ ઝાલા તથા ટેન્ડર સમિતિ વતી કિશન માડમએ આ કાર્યવાહી નિહાળવા મુલાકાત લીધી હતી.