Mysamachar.in:ગાંધીનગર
જામનગર સહિત રાજ્યભરમાં હવેથી કોઈ પણ પ્રકારના પબ્લિક, ધાર્મિક કે ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાવર મિલકતોની હરરાજી માત્ર ઈ-ઓકશનથી જ કરી શકાશે. આ માટે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. રાજ્યનાં લીગલ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી સેક્રેટરી એન.એ.બારીઆની સહીથી જાહેર કરવામાં આવેલાં આ પરિપત્રમાં જણાવાયું છે કે, આ પ્રકારની મિલકતોની હરરાજી હવેથી ફરજિયાત રીતે ઓનલાઇન કરવાની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી આ પ્રકારની મિલકતોની હરરાજી ઓફલાઈન થતી, જેમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓની પુષ્કળ ફરિયાદો આવતી હતી. જે ટાળવા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
લીગલ ડિપાર્ટમેન્ટના અધિકારી કહે છે : આ ઓનલાઈન પ્લેટફોર્મ દરેક વ્યક્તિને આવી મિલ્કતો ખરીદવાની સમાન તક પૂરી પાડશે. હરરાજીમાં પારદર્શિતા વધશે. ગેરરીતિઓ અને કથિત ભ્રષ્ટાચાર ઘટશે. આ પરિપત્ર 26 જૂલાઈએ જાહેર થયો. જેમાં કહેવાયું છે કે, ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એકટના સેકશન 36 મુજબ યોજાનારી આ પ્રકારની તમામ હરરાજી હવેથી વેબ બેઈઝડ પોર્ટલ મારફતે કરવાની રહેશે.
જે ટ્રસ્ટ આ ઈ-ઓકશન યોજશે તે ટ્રસ્ટ આ ઓનલાઈન હરરાજીનો ખર્ચ ઉઠાવશે. ઈ-ઓકશનમાં થયેલો વેચાણનો હુકમ હરરાજી થતાં જ અમલમાં આવી જશે. આ નવી વ્યવસ્થાને કારણે મિલ્કતોના વેચાણમાં થતી સિન્ડિકેટ સહિતની ગેરરીતિઓ અટકશે ?! એ પ્રશ્નનાં જવાબમાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, જો કે ઓનલાઇન પ્રોસેસિંગથી જ સિન્ડિકેટનું દૂષણ અટકી ન શકે ! પરંતુ સરકાર કહે છે : આ નવી વ્યવસ્થાથી પારદર્શકતા વધશે, અનિયમિતતાઓ ઘટાડી શકાશે.