Mysamachar.in-જામનગર:
જામનગર નજીકના ખીજડીયા પક્ષી અભયારણ્ય સાથે સંકળાયેલા વનવિભાગના કર્મચારીઓ પર હુમલાનો વધુ એક બનાવ પોલીસના ચોપડે નોંધાયો છે. આ વિસ્તારમાં ઢોર ચરાવવા મામલે અવારનવાર માલધારીઓ અને વનવિભાગ વચ્ચે બબાલ ચાલતી રહે છે.
જામનગર નજીકનું ખીજડીયા પક્ષી અભયારણ્ય જાંબુડા અને ખીજડીયા સહિતના પંથકોમાં વિશાળ સરકારી જમીનો ધરાવે છે. આ બધી જ જમીનો વનવિભાગની માલિકીની છે. આ જમીનો પર ખાનગી માલિકીના જે પશુઓ ચારો ચરતા હોય છે તેમને વનવિભાગ દ્વારા પકડી લેવામાં આવે છે અને સરકારી કેમ્પસમાં પૂરી દેવામાં આવે છે. કેમ કે, આ સરકારી જમીન પર પ્રવેશ લેવો પ્રતિબંધિત છે.
દરમ્યાન, ગઈકાલે ગુરૂવારે વધુ એક વખત આ પ્રકારનો બનાવ બન્યો. જાંબુડા અભયારણ્યના પ્રતિબંધિત વિસ્તારમાં ચરી રહેલી કેટલીક ભેંસોને વનવિભાગના કર્મચારીઓ ડબ્બે પૂરવા લઈ જઈ રહ્યા હતાં ત્યારે, આ સરકારી કર્મચારીઓ પર કેટલાંક શખ્સોએ ગેડિયા (લાકડીઑ) વડે હુમલો કર્યો. આ મામલે વનવિભાગના કર્મચારી લગધીરસિંહ ધીરૂભા જાડેજાએ 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.
આ ફરિયાદમાં આરોપીઓ તરીકે પોપટ સુરા રાતડીયા, વાલસુર હેમરાજ વીર અને વાલા ડોસા ચારણ (રહે. બધાં જાંબુડા)ના નામો પોલીસમાં જાહેર થયા છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર, આ હુમલામાં વનવિભાગના એક મહિલા કર્મચારી સહિતના કર્મચારીઓ ઘવાયા છે. ફરિયાદમાં કહેવાયું છે કે, આરોપીઓએ આ કર્મચારીઓને આડેધડ મૂંઢમાર માર્યો છે.