Mysamachar.in-અમદાવાદઃ
ATMમાંથી ચોરી કરવી સામાન્ય રીતે ઘણી મુશ્કેલ હોય છે, ખાસ કરીને ATMની સુરક્ષા માટે સિક્યોરિટી ગાર્ડ અને સીસીટીવી મૂકેલા હોય છે. જો કે રક્ષક જ ભક્ષક બને તો ? આવી જ એક ઘટના અમદાવાદમાં બની છે, જેમાં ATMમાં પૈસા લોડ કરનારા પાંચ ભેજાબાજ કર્મચારીઓ વિરુદ્ધ રૂપિયા 3.91 કરોડની ઉચાપતની ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું કે આ પાંચ કર્મચારીઓએ એટીએમ મશિનમાં પૈસા ભરતી વખતે મશીન સાથે છેડછાડ કરીને એટીએમમાં ઓછા પૈસા અપલોડ કરી પૂરા પૈસા અપલોડ કર્યાની રિસીપ્ટ કાઢીને ગેરરીતિ આચરી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે અમદાવાદ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે કે મુંબઇની લોજીકલ સોલ્યુશન કંપનીને ATMમાં પૈસા લોડ કરવા તથા ATMના મેઇન્ટેન્સનું કામ આપવામાં આવ્યું હતું. આ કામ માટે કંપનીએ કસ્ટોડિયન તરીકે અરુણ દુબે , નિશાંત મિશ્રા , સંજીવ શિકરવાર, ચંદ્રપ્રકાશ શર્મા અને કિશન મકવાણાને અમદાવાદમાં નોકરી પર રાખ્યા હતા. હવે બન્યું એવું કે કંપનીને બેંક ઓફ ઇન્ડિયા તરફથી ફરિયાદ કરવામાં આવી કે ગુજરાતમાં ત્રણ અલગ અલગ એટીએમમાં રોકડ રકમની ભૂલ આવે છે. બાદમાં તપાસ કરતાં પાંચેય કર્મચારીઓનો ભાંડો ફૂટી ગયો. તપાસમાં બહાર આવ્યું કે આ પાંચેય ભેજાબાજોએ જુદા જુદા એટીએમ મશીનની કેસેટો બદલી હતી અને ખોટી રિસીપ્ટો કાઢી હતી. જેથી કોઇને ઝડપી ખબર ન પડે જો કે, રકમમાં ભૂલ આવતા પાંચે કર્મચારીઓનો ભાંડો ફૂટ્યો છે. પાંચમાંથી ત્રણ આરોપીએ પૈસા વાપરી નાખ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. રૂપિયા 3.91 કરોડની છેતરપિંડીમાંથી બે આરોપીઓ કિસન મકવાણા તથા ચંદ્ર પ્રકાશ શર્માએ રૂપિયા 32.43 લાખ મેળવ્યા હતા. જે પૈકી રૂપિયા 22.90 લાખ કંપનીમાં પાછા જમા કરાવ્યા હતા જ્યારે અરુણ દૂબે નિશાંત મિશ્રા અને સંજીવ શિકરવારે કુલ રૂપિયા 3.81 કરોડ સરખા હિસ્સે વહેચીને વાપરી નાખ્યા હતા.