Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાતમાં પ્લાસ્ટિકના ઉપયોગ સામે જનજાગૃતિની અનોખી પહેલ 2 મહિનામાં 9500થી વધુ બોટલનું રિસાઇક્લિંગ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા મહત્વના મંદિરોમાં કાપડની થેલી માટે એટીએમ મશીન મુકવામાં આવ્યા છે. આ સાથે સાત મુખ્ય એસ.ટી બસ સ્ટેન્ડ અને એક રેલવે સ્ટેશન પર પ્લાસ્ટિક બોટલના રિવર્સ વેન્ડીંગ મશીન મુકવામાં આવ્યા છે. આ પહેલને વધુ આગળ લઇ જવા માટે આગામી એક મહિનામાં અમુલ પાર્લરના 250 આઉટલેટ પર આ પ્રકારના મશીન મુકવામાં આવશે.
અત્યારે રાજ્યના મહત્વના મંદિરો જેમ કે અંબાજી , સોમનાથ, દ્વારકા, શામળાજી, સાળંગપુર, તથા ઇસ્કોન મંદિર પર 14 મશીન મુકવામાં આવ્યા છે. અહીં આવતા શ્રદ્ધાળુઓને હવે કાપડની થેલીમાં જ પ્રસાદ મળી રહે છે. આ મશીનમાં પાંચ રૂપિયાનો સિક્કો નાખીને અથવા તો QR કોડ સ્કેન કરીને થેલી મેળવી શકાય છે. મંદિરે દર્શનાર્થે આવતા ભાવિકો તરફથી આ પહેલ અંગે સારો પ્રદિસાદ મળી રહ્યો છે અને 60 દિવસમાં 5 હજારથી વધુ થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું છે.