Mysamachar.in-ગાંધીનગર:
સમગ્ર ગુજરાત રાજ્યમાં ગ્રામ્ય સ્તરે વિવિધ સરકારી યોજનાઓના અમલ સહિતની કામગીરીઓમાં ઘણું ‘ન બનવાનું’ બનતું હોય છે અને તેની વિગતો બહાર પણ આવી જતી હોય છે. જેને કારણે સરકાર સહિત ઘણાં ચૂંટાયેલા લોકો માટે સમસ્યાઓ ઉભી થતી હોય છે. આ પ્રકારના વાતાવરણમાં ગતરોજ શુક્રવારે પાટનગર ગાંધીનગર ખાતે, રાજ્યના નવા ચૂંટાયેલા સરપંચોનું સંમેલન યોજાયું જેમાં મુખ્યમંત્રીએ સરપંચોને કરેલી ટકોર રસપ્રદ રહી.
આ સંમેલનમાં CMએ નવા ચૂંટાયેલા સરપંચોને સાનમાં સમજાવતા કહ્યું હતું કે, સરકાર ભ્રષ્ટાચાર સહન કરતી નથી. હાથમાં આવ્યા છે તેને છોડ્યા નથી અને છોડવાના પણ નથી. સંભાળીને કામ કરજો. નવા છો એટલે કોઈના દોરવાતા દોરવાઈ ન જવાય તે જોજો. આ ઉપરાંત સ્વચ્છતા માટેની ગ્રાન્ટમાં સો ટકાનો વધારો કરવામાં આવ્યો હોવાની પણ CMએ જાહેરાત કરી હતી અને સ્વચ્છતા પર ભાર મૂકવા સૌને જણાવ્યું હતું. આ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટિલ અને રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલએ પણ સંબોધન કર્યું હતું અને સરપંચોને શિખામણો આપી હતી.
-આ સંમેલનમાં કેટલાંક આંકડાઓ પણ જાહેર કરવામાં આવ્યા..
સંમેલનમાં કહેવાયું કે, પંચાયત ગ્રામ વિકાસની વિવિધ યોજનાઓ માટે કુલ રૂ. 1,236 કરોડની ગ્રાન્ટની ફાળવણી થઈ છે. 761 સમરસ ગ્રામ પંચાયતો માટેની રૂ. 35 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ DBTથી ફાળવવામાં આવી છે. આ સંમેલનમાં રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોષી સહિતના ઉચ્ચ અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. ‘મનરેગા’ કૌભાંડને કારણે ચર્ચાઓમાં રહેલાં પંચાયત મંત્રી બચુ ખાબડને આ સંમેલનમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.