Mysamachar.in:અમદાવાદ:
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ અમદાવાદમાં ગાહેડ અને ક્રેડાઈ આયોજિત 17મા પ્રોપર્ટી-શો ને ખૂલ્લો મૂકતી વખતે રાજ્યના સામાન્ય નાગરિકોના હિતનો ઉલ્લેખ કરી બિલ્ડર અને ડેવલોપરને મહત્વની ટકોર કરી. આ પ્રોપર્ટી-શોમાં ડેવલોપરો અને રિયલ એસ્ટેટ ક્ષેત્રનાં પ્રોફેશનલ્સને સંબોધતા CMએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી વિકાસયાત્રાને આપણે સૌએ આગળ વધારવાની છે જ પરંતુ સાથેસાથે સૌએ એ પણ યાદ રાખવું જોઈએ કે, બિલ્ડીંગ યૂઝ પરમિશન (BU પરમિશન) સહિતના નિયમોનું પાલન કરવાનું કર્તવ્ય સૌએ નિભાવવાનું રહે છે.
મુખ્યમંત્રીએ વધુ સ્પષ્ટતા સાથે એમ પણ કહ્યું કે, ડેવલપમેન્ટ અને બાંધકામના સમયે સામાન્ય નાગરિકોનાં હિતોને ધ્યાનમાં રાખી સૌ વ્યવસાયીઓએ દાયિત્વ નિભાવવાનું રહે છે. ડેવલોપરોને બિલ્ડીંગ યૂઝ સહિતનાં તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અંગે પણ મુખ્યમંત્રીએ ઉપસ્થિતો સમક્ષ કહ્યું હતું. આ પ્રોપર્ટી-શો નાં ઉદઘાટન પ્રસંગે ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત તથા MSMEs તથા સહકારમંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતનાં મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ તકે ગાહેડ અને ક્રેડાઈના હોદેદારો અને સભ્યો વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.