Mysamachar.in-જામનગર:
સામાન્ય વરસાદ હોય, સામાન્ય પવન હોય કે પછી ભારે વરસાદ અથવા વાવાઝોડું- સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજતંત્રને જે નુકસાની થાય, તેમાં જામનગર સર્કલનો સિંહફાળો હોય છે. જામનગર વીજતંત્રને દર વખતે મોટું નુકસાન થતું હોય છે, જેની પાછળના સાચાખોટાં અનેક કારણો હોય શકે છે. જો કે, તંત્રએ પોતાનો બચાવ અલગ રીતે કર્યો છે.
તાજેતરમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં જે વરસાદ પડ્યો તે દરમિયાન, વીજતંત્રને ઘણું નુકસાન થયું છે, તેના આંકડાઓ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. આંકડાઓ કહે છે: ચોમાસાના પ્રારંભે જ સૌરાષ્ટ્ર-કચ્છમાં 749 વીજપોલ ઢળી પડ્યા જે પૈકી 329 થાંભલા એકલાં જામનગર સર્કલના છે. અને, રૂપિયાની નુકસાની જોઈએ તો બોટાદ જિલ્લા બાદ જામનગર સર્કલ નુકસાનીમાં બીજા ક્રમે છે. આ વરસાદમાં જામનગર સર્કલને રૂ. 40 લાખ કરતાં વધુનુ નુકસાન થયું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 363 વીજફીડર પણ બંધ થઈ ગયા. સેંકડો ગામો અને વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો. જામનગર શહેર અને જિલ્લામાં તો, વરસાદના બે છાંટા સાથે જ સંખ્યાબંધ વિસ્તારોમાં વીજપૂરવઠો ગાયબ થઈ જાય છે, લાખો લોકો કલાકો સુધી અનેક પ્રકારની હાલાકીઓ વેઠવા મજબૂર બની જતાં હોય છે, જેને કારણે લોકોમાં વીજતંત્ર પ્રત્યે ભારે આક્રોશ અને નારાજગીઓ પણ જોવા મળે છે.

-જામનગર વીજતંત્રના અધિક્ષક ઈજનેર કહે છે…
જામનગર સર્કલના અધિક્ષક ઈજનેર યશપાલસિંહ જાડેજાએ Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીતમાં આ બાબતે જણાવ્યું છે કે, જામનગર સર્કલ હેઠળ મોટો વિસ્તાર આવે છે. દરિયાકિનારાના જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા ઉપરાંત રાજકોટ અને મોરબીના કેટલાંક ગામો અને કૃષિ ફીડરો જામનગર સર્કલ હેઠળ આવે છે. PGVCL માં આ સૌથી મોટું સર્કલ છે. આ સર્કલમાં 35 સબડિવિઝન છે. તેથી સ્વાભાવિક રીતે જ નુકસાન પણ વધુ જોવા મળે છે. રોડ પરના અને જ્યોતિગ્રામ વિભાગોના વીજપોલમાં ઓછું નુકસાન થાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં જે વીજપોલ વાડીખેતરોની પોચી જમીનો પર આવેલાં હોય છે ત્યાં આ પ્રકારની નુકસાની વધુ જોવા મળતી હોય છે. વીજપોલ ઉભા કરવાની કામગીરીઓનું ક્રોસ ચેકિંગ પણ કરવામાં આવે છે. નુકસાન મોટું થયું છે, એ હકીકત છે પરંતુ તેનું કારણ આપણો વિસ્તાર મોટો છે, અન્ય વીજસર્કલ પ્રમાણમાં નાના હોય છે.(file image)
