Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં આગની ઘટનાઓ કોઈ માટે નવી વાત નથી. આગ ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે એવડી ફાટી નીકળી શકે, આગથી બચવા સૌએ કાળજી લેવી પડે, અગમચેતી રાખવી જ પડે. ખુદ વડી અદાલત પણ આ બાબતે થોડા થોડા સમયે રાજ્ય સરકારની ચીંટયો ખણે છે, આમ છતાં સરકારના તંત્રો આવી સંવેદનશીલ બાબતમાં પણ હોતી હૈ, ચલતી હૈ ચલાવતા હોય છે. જેની પાછળના કારણો પણ ઘણી વખત ‘દેખીતા’ કે ‘જાણીતા’ હોય છે.

સરકારે સ્પષ્ટ સૂચનાઓ આપી છે કે, ખાનગી શાળાઓએ નિયમાનુસાર ફાયર NOC મેળવી લેવું. જે અનુસંધાને જામનગરના શિક્ષણ વિભાગે પણ એવી શાળાઓને નોટિસ આપી હોવાનું જાણવા મળે છે, જે શાળાઓએ હજુ સુધી આ NOC પ્રાપ્ત કર્યું નથી. હમણાં વેકેશન ખૂલશે, હજારો વિદ્યાર્થીઓ શાળાઓમાં ભણતા હશે, આવા સમયે ધારો કે કોઈ એક શાળામાં આગ લાગે અને દોડધામ સર્જાઈ જાય- પછી તપાસના અંતે બહાર આવે કે, ફલાણી શાળા પાસે ફાયર NOC જ નથી ! ઘણી દુર્ઘટનાઓ વખતે આવી વિગતો બહાર આવતી રહેતી હોય છે.
જામનગરનો શિક્ષણ વિભાગ આવી ફાયર NOC ન મેળવેલી ખાનગી શાળાઓને છાવરે છે ! ખરેખર તો આવી શાળાઓની યાદી સમાચારો બનવી જોઈએ તો જ લોકોને ખ્યાલ આવે કે, કઈ ખાનગી શાળા આપણાં બાળકોની ચિંતાઓ કરે છે, કઈ ખાનગી શાળાઓ સરકારના નિયમ અનુસાર ચાલે છે, ક્યા શાળા સંચાલકો વિદ્યાર્થીઓની કાળજી લેવામાં ગુનાહિત બેદરકારીઓ ધરાવે છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, રાજ્યના વિવિધ શહેરોમાં જુદાજુદા કારણોસર ખાનગી શાળાઓ સમયે સમયે દંડાતી રહે છે, કેટલીક ખાનગી શાળાઓ નિયમભંગ બદલ સીલ પણ થતી હોય છે. જામનગરમાં સ્થિતિઓ અલગ છે ! બધી જ ખાનગી શાળાઓ, જાણે કે બધાં જ નિયમોનું પાલન કરતી હોય એમ જામનગરમાં કયારેય, કોઈ પણ શાળાને દંડ થતો નથી ! શિક્ષણ વિભાગની કામગીરીઓ આટલી સરસ ??! વાલીઓને શંકાઓ કરવા પૂરતા કારણો મળી રહે એટલી શાંતિ જામનગરના શિક્ષણ વિભાગમાં વર્ષોથી ચાલી રહી છે, જે અચરજ લેખાવી શકાય.(file image)