Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાની પ્રોજેક્ટ પ્લાનિંગ શાખા રોડ રસ્તાઓની કામગીરીને કારણે વારંવાર ચર્ચાઓમાં આવતી રહે છે, કેટલીયવાર કેટલાય જાગૃત નાગરીકો આ શાખાના ભોપાળા સોશ્યલ મીડિયામાં છતાં કરતા રહે છે, તાજેતરમાં ડામરના પેચવર્કની કામગીરી પણ થઇ પણ તે વખાણવાલાયક કેટલાક સ્થળોએ નથી તે વાત પણ ચોક્કસ છે, એવામાં વધુ એક સ્થળે ડામર ઉખડી ગયાની વાતનો સ્વીકાર ખુદ અધિકારીએ કરી રીપેરીંગ કરાવવાની વાત કરી છે,
વધુ એક વખત વિક્ટોરિયાબ્રીજના ઉપરના ભાગે પટેલ ટ્રાવેલ્સથી વ્હોરાના હજીરા તરફ જતા રસ્તા પર સિમેન્ટનો બ્રીજ દ્રશ્યમાન થાય છે ત્યાં સુધી મનપાની આ શાખા દ્વારા ડામર પાથરવામાં આવ્યો હતો પણ આ ડામર હાથમાં આવે તે રીતે ઉખડી જતો હોય તેવા વિડીયો અને ફોટો સોશ્યલ મીડિયામાં વાઈરલ થયા છે અને તેમાં ત્યાં હાજર લોકો તેને હાથથી ઉખેડતાં નજરે પડ્યા હતા.
સમગ્ર મામલે પ્રોજેક્ટ પ્લાનિંગ વિભાગના નાયબ ઈજનેર રાજીવ જાનીને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેવોએ પહેલા તો એવું કહ્યું કે અહી ક્યારેય ડામર પાથર્યો જ નથી બાદમાં તેવોને જયારે આ ફોટો બતાવવામાં આવ્યા ત્યારે તેવાઓએ કબુલ કર્યું હા ત્યાં ડામર પાથર્યો છે. અને હાલ આ સ્થળ પર ગ્રાઉટીંગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેવાઓએ કહ્યું સીસી રોડ પર બે લેયર કરવાના હોય તેમાંથી એક લેયર ડામરનો કરવાનો બાકી છે. જો કે તેવાઓએ પાણીના વધુ પ્રવાહને કારણે અહી ડેમેજ થયું છે તે વાતનો સ્વીકાર કરી અને હવે તે ઠેકેદારના ખર્ચે અહી સીસી પર ડામરનું વધુ એક લેયર કરી રીપેરીંગ કરવામાં આવશે.અને પ્રોજેક્ટ પ્લાનિંગ વિભાગ આ અંગે કોઈ બીલ મુકશે નહિ તેમ તેવાઓએ વાતચીતના અંતે જણાવ્યું હતું.