Mysamachar.in:ગાંધીનગર:
લોકતંત્રમાં મતદાનનો મહિમા અનેરો છે પરંતુ મતદારો તરીકે આપણે સૌએ એ પણ જોવું પડે કે, આપણે શાસકોની સાથે-સાથે વિપક્ષ ચૂંટીએ છીએ ? કે, સઘળું અને સુવાંગ બધું જ એક પક્ષને સોંપી, લોકતંત્રની ખૂબીને પણ ભૂલી જઈએ છીએ ?! આ મુદ્દો ગંભીર છે. આપણે હવે પછી જાગૃત રહેવું પડશે.
આપણાં બંધારણનાં ઘડવૈયાઓએ બારીકાઈથી વિચારી એ નિયમ બનાવ્યો છે કે, ચૂંટણીમાં વિધાનસભા અથવા લોકસભાની કુલ બેઠકો પૈકી દસ ટકા કે તેથી વધુ બેઠકો મેળવનાર મુખ્ય વિપક્ષને ગૃહમાં (વિધાનસભા અથવા લોકસભામાં) વિપક્ષનું નેતાપદ મળે. આ નેતા પ્રજા વતી ગૃહમાં અને ગૃહની બહાર શાસકોને નિરંકુશ થતાં અટકાવી શકે, શાસકોનું ભૂલો કે ત્રૂટિઓ પ્રત્યે ધ્યાન દોરી શકે અને જરૂર પડ્યે ચોક્કસ બાબતોમાં મતદારોનાં પ્રતિનિધિ તરીકે, વિપક્ષનાં નેતા તરીકે ગૃહની કાર્યવાહીની નોંધમાં પણ વિરોધ દર્જ કરાવી શકે, જે ગૃહની કાર્યવાહીની મિનિટસમાં રેકર્ડ પર નોંધાઈ શકે.અને એ રીતે રેકર્ડ પર તથા ઓફ ધ રેકૉર્ડ શાસકોને સ્વચ્છંદી બનતાં અટકાવી શકાય તે માટેની આ બંધારણીય વ્યવસ્થા છે. જે આપણે આ વિધાનસભા ચૂંટણીમાં ચૂકી ગયા. કોઈક કારણસર આપણે શાસકોને એટલી બેઠકો આપી દીધી કે, વિધાનસભામાં વિપક્ષનું નેતાપદ જ નહીં રહે. સરકાર પોતાની સ્વેચ્છાએ કોઈ પણ નિર્ણય લેશે, વિપક્ષનાં ધારાસભ્યો બહુ બહુ તો હાકલા પડકારા કરી શકશે અથવા ગૃહની કાર્યવાહીનો બહિષ્કાર કરી શકશે, એથી વધુ કાંઈ જ રેકર્ડ પર કરી શકશે નહીં !
શાસકોને મનમાની કરવાની સોનેરી તક આપી દીધાં પછી, મતદારો પસ્તાવા સિવાય કાંઈ જ ન કરી શક્યા હોય, એવાં ઉદાહરણો આપણા લોકતાંત્રિક ઈતિહાસમાં નોંધાયેલા છે જ, આપણે હવે પછીની ચૂંટણીઓમાં આ ચૂક સુધારી લઈશું ? કે, મનફાવે તે રીતે મતદાન કરીશું ?! વિચારીએ.અત્રે નોંધનીય છે કે, હાલની વિધાનસભા ચૂંટણીમાં ભાજપાને 156, કોન્ગ્રેસને 17, આમ આદમી પાર્ટીને 5 અને અન્ય નાનાં પક્ષ-અપક્ષને 4 બેઠકો મળી છે. ટૂંકમાં, વિપક્ષ નેતાપદ કોઈ જ નહીં મેળવી શકે. કોન્ગ્રેસ એકાદ, બે કે ત્રણ બેઠકો વધુ મળી હોત તો, વિપક્ષ નેતાપદની આ લોકતાંત્રિક ખૂબી આપણે બરકરાર રાખી શક્યા હોત, ખેર. જાગ્યા ત્યારથી સવાર. હવે કાળજી રાખીશું ?!