Mysamachar.in:ગાંધીનગર:
ચૂંટણી આચારસંહિતા અમલમાં ન હોય ત્યારે પણ, રાજ્યભરમાં એ જ અધિકારીઓ અને કર્મચારીઓ કામ કરતાં હોય છે, જે આડે દિવસે કામ કરતાં હોય છે. ફરક માત્ર એટલો હોય છે કે, ગાંધીનગરમાં બોસ CM કાર્યાલયને બદલે ચૂંટણીપંચ હોય છે. આચારસંહિતાનો અમલ શરૂ થઈ જાય એટલે આ જ તમામ કર્મયોગીઓને કામ કરવાની નહીં પણ કામ દેખાડવાની ચાનક ચડે છે, સામાન્ય નાગરિકની આ માન્યતાને સમર્થન પણ મળી રહ્યું છે.
ગુજરાતની જ ગતિવિધિઓ કહે છે કે, રાજ્યમાં આચારસંહિતાના અમલના માત્ર 5 દિવસમાં આ જ તંત્રોએ કુલ રૂ. 6 કરોડનો મુદ્દામાલ ઝડપી લીધો. (અચાનક બાતમીઓ મળવા લાગી !) જેમાં રૂ. 1.35 કરોડના દારૂનો અને રૂ. 2.28 કરોડના સોનાચાંદીનો સમાવેશ થાય છે. અને, આચારસંહિતા ભંગની 218 ફરિયાદ પણ નોંધાઈ ગઈ. આ આંકડાઓ ગાંધીનગરથી ચૂંટણીપંચે જાહેર કર્યા છે.
એમ જાહેર કરવામાં આવ્યું છે કે, આ તમામ કામગીરીઓ અને કાર્યવાહીઓ ફલાઈંગ સ્કવોડ દ્વારા કરવામાં આવી છે. જો કે, મોરબીમાં શરાબની 61,000 બોટલ SMCએ ઝડપી લીધી છે. રાજ્યમાં 5 દિવસમાં 39,584 લિટર દારૂ ઝડપાયો. અને, 3.41 કિલો વજન ધરાવતું સોનું ચાંદી ઝડપાયું. ગત્ 16 થી 20 માર્ચ દરમિયાન ઉપરોકત માલ ઉપરાંત મોટરસાયકલ સહિતના વાહનો અને અખાદ્ય ગોળ પણ કબજે લેવાયો છે. રોકડની હેરફેર પર પણ નજર રાખવામાં આવી રહી છે અને કોઈ પાસે 50,000 થી વધુની રોકડ મળી આવે તો, આધારપુરાવાની માંગ કરવામાં આવી રહી છે. ખાસ કરીને બે નંબરનો વહીવટ કરતાં આંગડીયા સહિતના લોકોને ચિંતાઓ છે.આમ આચારસંહિતા અમલી હોય તેને લઈને રાજ્યભરમાં ચોતરફ ચેકિંગનો ધમધમાટ જોવા મળી રહ્યો છે જે ચુંટણીકાર્યવાહી પૂર્ણ થવા સુધી જોવા મળશે.
(મુકવામાં આવેલ તસ્વીર પ્રતિકાત્મક છે)