Mysamachar.in-ગુજરાત:
જનરલ કેટેગરીના લોકો માટેની આંશિક અનામત વ્યવસ્થાને સુપ્રિમ કોર્ટની મંજૂરી મળી ગઈ છે. આર્થિક રીતે નબળાં આ પ્રકારના લોકોને દસ ટકા અનામતની હાલની સિસ્ટમને સુપ્રિમ કોર્ટે યથાવત્ રાખતાં જણાવ્યું છે કે, આ વ્યવસ્થામાં બંધારણની મૂળભૂત ભાવનાનો ક્યાંય ભંગ થતો નથી. આ નિર્ણય જાહેર કરનાર સુપ્રિમ કોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિનો આજે પદ પર આખરી દિવસ છે. તેઓનો કાર્યકાળ આવતીકાલે આઠમીએ પૂર્ણ થાય છે.
હાલમાં ગુજરાત સહિત દેશભરમાં આર્થિક રીતે નબળાં હોય એવાં જનરલ કેટેગરીના લોકોને પણ ‘અનામત’ દસ ટકા લેખે આપવામાં આવે છે. આ વ્યવસ્થાને સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. કેન્દ્ર સરકારે આ અનામતની તરફેણમાં મત વ્યક્ત કર્યા પછી, અગાઉ આ નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો અને આ મુદ્દો પાંચ ન્યાયમૂર્તિઓની બેન્ચને સોંપવામાં આવ્યો હતો. આ બેન્ચ દ્વારા આજે સાતમી નવેમ્બરે દસ ટકા અનામતની તરફેણમાં ચાર વિરુદ્ધ એક મતે પોતાનો નિર્ણય જાહેર કરતાં, જનરલ કેટેગરીના લોકોને હવે આગળ ઉપર પણ દસ ટકા અનામતનો લાભ મળતો રહેશે. અનામતની તરફેણમાં ચુકાદો આપનાર બેન્ચે જણાવ્યું હતું કે, આ વ્યવસ્થાથી બંધારણની મૂળભૂત ભાવનાનો ક્યાંય કોઈ પણ રીતે ભંગ થતો નથી, આથી આ વ્યવસ્થાને કાયમ કરવામાં આવે છે. સુપ્રિમ કોર્ટમાં થયેલાં આ નિર્ણયને કારણે ઘણાં સમયથી ચાલી આવતી ગડમથલ આજે પૂર્ણ થઈ છે.






