Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર પહોંચતા પહેલાં વાહનચાલકોએ ખંભાળિયા નજીક શરૂ કરવામાં આવેલાં નવાં ટોલનાકે ટોલટેકસ ભરવો પડે છે, જે અન્યાયી અને નિયમ વિરુદ્ધનો તથા સંપૂર્ણ હાઈવે બન્યા પહેલાં ટેક્સ વસૂલવાનું શરૂ થઈ ગયું છે એમ જણાવી કિસાન કોન્ગ્રેસ દ્વારા આ ટોલટેકસનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આગામી સમયમાં આ વિરોધ ઉગ્ર બનશે, એમાં પણ આગામી દિવસોમાં વિધાનસભા ચૂંટણી આવી રહી હોય, આ આંદોલન ઝડપથી પ્રસરી જશે, એમ માનવામાં આવી રહ્યું છે.
ગુજરાત કિસાન કોન્ગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ મુદ્દે રાજ્યનાં મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. આ નેશનલ હાઇવેનું કામ ઘણાં સ્થળોએ અધૂરૂ છે. ઉપરાંત ટોલનાકાની આસપાસના 20 કિમીની ત્રિજ્યાનાં ગામોનાં વાહનચાલકોને ટેક્સમાંથી મુક્તિ આપવાનો નિયમ છે. તેમજ જિલ્લાનાં સ્થાનિક વાહનોને ટોલટેકસમા પચાસ ટકા રાહતનો પણ નિયમ છે, આમ છતાં નિયમો તોડીને વાહનચાલકો પાસેથી ગેરકાયદે ટોલટેકસ વસૂલવામાં આવી રહ્યો છે ! ટોલનાકું શરૂ થતાં જ વિરોધ ઉઠવા પામ્યો છે.
આ ઉપરાંત વધુમાં જણાવ્યું છે કે, આગામી સમયમાં આ પંથકના વેપારી સંગઠનો સહિતનાં તમામ એસોસિએશનોએ આ લડતમાં જોડાઈ નેશનલ હાઇવે ઓથોરિટીનાં ટોલટેકસના આ નિર્ણયનો વિરોધ કરવો જોઈએ.આગામી સમયમાં આ માટે ટોલનાકા સંઘર્ષ સમિતિનાં નેજા હેઠળ આંદોલનને તીવ્ર બનાવવામાં આવશે. આ હાઈવેનું કામ અધૂરું હોવાની પણ રજૂઆત થઈ છે. કુવાડિયા પાટીયા, વિરમદળ તથા હંજડાપર પાટિયા નજીકનાં વિસ્તારોમાં રોડ અધૂરો છે અને ખંભાળિયા નજીક સર્વિસ રોડની વ્યવસ્થા પણ કરવામાં આવી નથી, એમ પણ આ રજૂઆતમાં જણાવાયું છે.
આ હાઈવે 45 મીટર પહોળો બનાવવાને બદલે માત્ર 30 મીટર પહોળો બનાવવામાં આવ્યો છે, એવી ચોંકાવનારી રજૂઆત પણ મુખ્યમંત્રી સમક્ષ થવા પામતાં આ ઇસ્યૂ વધુ વ્યાપક બનવા પામ્યો છે.આ રજૂઆતમાં જણાવાયું છે કે, જ્યાં સુધી આ રોડની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલટેકસ વસૂલવાની કામગીરી સંપૂર્ણ બંધ કરવામાં આવે. આ રોડ PPP ધોરણે બનાવવામાં આવ્યો હોય, આ ટોલનાકે કોમર્શિયલ ધોરણે ટોલટેકસ વસૂલવામાં ન આવે. સ્થાનિક વાહનચાલકોને નિયમો અનુસાર મુક્તિ તથા રાહતો જાહેર કરવામાં આવે.
આ રજૂઆતમાં ગાંધીચિંધ્યા માર્ગ આંદોલનની ચિમકી આપવાની સાથે એમ પણ જણાવવામાં આવ્યું છે કે, આ રોડની પહોળાઈ દિલ્હી કક્ષાએથી ઘટાડી નાંખવામાં આવી છે અને તે રીતે આ હાઇવેને મોતનો કૂવો બનાવી દેવામાં આવ્યો છે, આ મુદ્દો અતિશય સંવેદનશીલ મુદ્દો હોવાનું આ રજૂઆતમાં સ્પષ્ટ થઈ રહ્યું છે, એ અર્થમાં મુખ્યમંત્રી સમક્ષની આ રજૂઆત ખૂબ જ ગંભીર પ્રકારની હોવાનું જાહેર થયું છે.