Mysamachar.in-અમદાવાદ
અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે ગુન્હાઓની સંખ્યા વધી રહી છે, એવામાં વધુ એક ગુન્હો સામે આવ્યો છે, જેની વિગતો પર નજર કરવામાં આવે તો હોટલોમાંથી નીકળતા કપલનો પીછો કરી તેમને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ડરાવી ધમકાવી બળજબરીથી તેમના દાગીનાઓ અને રોકડા રૂપિયા પડાવતા SRPના ડિસમિસ કોન્સ્ટેબલને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે ટેક્નિકલ અને હ્યુમન સોર્સિસની મદદથી તપાસ હાથ ધરી હતી. તપાસમાં કપલને લૂંટનાર ઈસમ પલ્સર તથા આઇ-20નો ઉપયોગ કરતો હોવાનું સામે આવ્યું હતું.
જશોદાનગર ચાર રસ્તા પાસેથી આરોપી સલીમમીંયા હુસૈનમીંયા રાઠોડ (ઉ.વ.45) રહે. મ.નં. 402, અમન ગસટી, રાજુશાહ બાવાની દરગાહ પાછળ, બીબી તળાવ પાસે, વટવા, અમદાવાદ શહેર. મૂળ રહે. પઠાણવાડ, પ્રાંતિજ, જિ. સાબરકાંઠાને ઝડપી લઇ તેની પાસેથી મળી આવેલા સોનાના દાગીનાઓ (સોનાની વીટીઓ નંગ-6, કાનની બુટીઓ નંગ-2, કાનસેર નંગ-2, કાનની કડીઓ નંગ-2) કિંમત રૂ.93,628/-, રોકડા રૂ.3500/-, આઇકાર્ડ, આઇ-20 કાર કિંમત રૂ.3,50,000 મળી કુલ રૂ.4,47,128નો મદ્દામાલ કબ્જે કર્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચની ટીમે પકડાયેલા આરોપીની પુછપરછ કરતા પોતે એસ.આર.પી. કોન્સ્ટેબલ તરીકે ડિસમિસ થયેલો હોવાનું જણાવ્યું હતું. અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોની હોટલોમાંથી બહાર આવતાં કપલ ગ્રાહકો તથા દેહવિક્રય કરતી યુવતીના દલાલોનો પીછો કરી બાદમાં રોકી પોલીસ તરીકેની ખોટી ઓળખો આપી ડરાવી ધમકાવી બળજબરીથી દરદાગીનાઓ અને પૈસા પડાવતો હોવાનું સામે આવ્યું છે.