Mysamachar.in:ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારની બીજી ઇનિંગ અલગ રીતે શરૂ થઈ ગઈ છે. CMO દ્વારા રાજયભરનાં નાગરિકો પાસેથી ફરિયાદો અને રજૂઆતો મેળવવા મંગળવારે એક ખાસ વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો. અને, ચમત્કાર શરૂ ! માત્ર 20 જ કલાકમાં આ નંબર પર 500 ફરિયાદોનો ઢગલો થઈ ગયો ! મુખ્યમંત્રી કાર્યાલયમાં અનેરો ધમધમાટ શરૂ થવા પામ્યો છે. સરકાર ચોંકી ઉઠી ! જિલ્લાકક્ષાએ નાગરિકો કેટલાં પરેશાન છે ? તે પ્રશ્નનો જવાબ જાણે કે છતો થઈ ગયો ! સરકારનો દાવ સફળ રહ્યો અને જિલ્લાકક્ષાના અધિકારીઓ પર ‘ પ્રેશર ‘ આવવાનું પણ શરૂ થયું. ઢગલાબંધ ફરિયાદો અને રજૂઆતોએ પૂરવાર કર્યું કે, એકસ-રે રૂપાળો નથી ! અને એમાંય સરકારનાં અમુક વિભાગો તો સાવ ઉઘાડા પડી ગયા.
ફરિયાદો અને રજૂઆતોનું એનાલિસીસ જણાવે છે કે, પોલીસ – પંચાયત – કલેકટર કચેરી અને કલેકટર કચેરી હસ્તકના જિલ્લા પૂરવઠા વિભાગ પ્રત્યે નાગરિકોમાં નારાજગી છે. આક્રોશ વ્યક્ત થયો. તંત્રો દ્વારા થતો વિલંબ અને સરકારી વિભાગોની ઉદાસીનતા તથા કામચોરી ઉઘાડી પડી ગઈ !
મુખ્યમંત્રી કાર્યાલયથી જિલ્લાકક્ષાનાં અધિકારીઓ પર વીજળી ત્રાટકી. કહ્યું: તમારાં કાર્યક્ષેત્રમાં આ શું ચાલી રહ્યું છે ?! ધ્યાન આપો. અત્રે એ પણ નોંધનીય છે કે, જિલ્લાકક્ષાએ તથા તાલુકાકક્ષાએ નિયમિત સમયનાં અંતરે મુખ્યમંત્રી ફરિયાદ સ્વાગત નિવારણ કાર્યક્રમ વર્ષોથી ચાલે છે. ઘણાં સ્થાનિક સત્તાવાળાઓ એમાં પણ કળાકારીગરી કરતાં હોય છે ! કાર્યક્રમ યોજાય ત્યારે, યેનકેન પ્રકારે ફરિયાદ અને રજૂઆત શૂન્ય પણ દેખાડે ! જાણે સૌ સુખી ! આવાં વિસ્તારોમાંથી પણ મુખ્યમંત્રીનાં વોટ્સએપ પર ફરિયાદો અને રજૂઆતો ઠલવાઈ !!
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યનાં મહેસૂલ વિભાગે ગત્ સપ્તાહે તમામ જિલ્લાઓમાંથી કલેકટર તથા નિવાસી અધિક કલેકટર પાસેથી સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જાહેર થયેલી શૂન્ય ફરિયાદો અંગે ખુલાસો માંગ્યો હતો. બીજે દિવસે આ વોટ્સએપ નંબર જાહેર થયો. મુખ્યમંત્રીનાં જનસંપર્ક કાર્યાલયના અધિકારીઓએ વોટ્સએપ પર મળેલી ફરિયાદો અને રજૂઆતો ઓનલાઇન સ્વાગત નિવારણ પ્લેટફોર્મ પર ફોરવર્ડ કરી દીધી, અધિકારીઓને કહ્યું : આ ફરિયાદો અને રજૂઆતોની સત્યતા ચકાસો…તેની તપાસ કરો અને તેનાં ઉકેલની દિશામાં શું થયું ? શું થવું જોઈએ ? વગેરે રિપોર્ટ આપો.
ટૂંકમાં, મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા વોટ્સએપ નંબર જાહેર થતાં જિલ્લાકક્ષાએ સંબંધિત વિભાગોનાં અધિકારીઓ પર ‘ દબાણ ‘ શરૂ થયું. સરકારની વ્યૂહરચના હાલ પૂરતી સફળ રહી. નાગરિકોનાં કામો સ્થાનિક સ્તરે હલ થવાની શક્યતાઓ સપાટી પર આવી. હવે પછીનાં દિવસોમાં જો મુખ્યમંત્રી જનસંપર્ક કાર્યાલયના અધિકારીઓ કડક રીતે કાર્ય કરતાં રહેશે તો, લોકોની ઘણી સ્થાનિક સમસ્યાઓ ઉકેલ તરફ આગળ વધી શકશે. એવું સમજાઈ રહ્યું છે.