Mysamachar.in-અમદાવાદ
આજના સોશ્યલ મીડિયા અને વિવિધ એપ્લીકેશનોના યુગમાં જો સાવચેતી ના રાખીએ તો મુશ્કેલીમાં મુકાવવાનો વારો આવે છે, અમદાવાદના થલતેજ વિસ્તારનો વેપારી પણ આવી જ રીતે ફસાયો અને બાદમાં બ્લેકમેલીંગની ઘટનાનો ભોગ બન્યો છે, સોશિયલ મીડિયાની મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને યુવતી સાથે વાત કરવાની શરૂઆત કરી હતી. મોબાઈલ ચાલુ કરો ત્યારે અનેક આકર્ષક યુવતીઓ તમારી સાથે વિડિયો ચેટ કરવા માટે તૈયાર છે એમ કહીને એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે તમને લાલચ અપાય છે, પરંતુ જો તમે આ યુવતીઓના મોહપાસમાં ફસાયા તો મુશ્કેલીમાં મુકાઈ શકાય છે,
ફ્રેન્ડશિપ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તેઓ યુવતી સાથે અંતરંગ વાતો કરવા લાગ્યા હતા. યુવતીએ વેપારીને પોતાની વાતો કરી અને વેપારી પણ તેમાં ફસાયા હતા. વેપારીએ પોતાનો વોટ્સએપ નંબર તે યુવતીને આપ્યો હતો. આ નંબર પર યુવતી અને વેપારી સાથે વાતોનો સિલસિલો વધતો ગયો હતો. આ દરમિયાન યુવતીના નંબર પરથી વેપારીને વિડિયો કોલ આવ્યો અને વેપારીએ એ નંબર ઉપાડ્યો હતો, પણ વેપારીની સ્ક્રીન પર પોતાની માનીતી યુવતી નહીં, પણ એક નિર્વસ્ત્ર યુવતી હતી.
યુવતીને નિર્વસ્ત્ર જોઈને વેપારી ચોંકી ઊઠ્યો અને થોડી સેકન્ડ બાદ ફોન કટ થઈ ગયો હતો. જે બાદ બીજા દિવસથી વેપારીને અલગ અલગ નંબરથી ફોન આવવા લાગ્યા હતા અને તેમને આ વિડિયો મોકલીને બ્લેકમેઇલ કરવા લાગ્યા હતા. પછી ધીમે ધીમે રૂપિયા માગવાની શરૂઆત કરી દેવાઈ હતી. આ સમગ્ર બાબતે વેપારીએ સાઇબર ક્રાઇમ વિભાગમાં ફરિયાદ નોંધાવતા તપાસનો આરમ્ભ થયો છે.