Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
માછીમારીના વ્યવસાય કરતા માછીમારોને તેઓની બોટ ચલાવવા માટે ઉપયોગમાં લેવાતું ડીઝલ માર્કેટ રેટ કરતા ઊંચા ભાવે મળે છે. ઘણા સમયથી વધુ ભાવના આ ડીઝલના ભાવમાં તોતિંગ વધારો કરાતા માછીમારીના વ્યવસાયને મરણ ફટકો પડવાની દહેશત વ્યક્ત કરી, ઓખા મંડળના ફિશીંગ બોટ એસોસિએશન દ્વારા સ્થાનિક તંત્રને સવિસ્તૃત લેખિત રજૂઆત કરવામાં આવી છે.ફિશિંગ માટે વપરાતી બોટમાં ઉપયોગમાં લેવાતું ડીઝલ રિટેલ આઉટલેટ કરતા રૂ. 7.22 ના ઊંચા ભાવે માછીમારોને આપવામાં આવતું હતું. આર્થિક રીતે નુકસાનકારક આ ભાવ વચ્ચે સોમવાર તારીખ 15 માર્ચના રોજ ઓઇલ કંપની દ્વારા રૂ. 18.15 નો એકસાથે તોતિંગ ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. જેના ફળ સ્વરૂપે માછીમારોએ પ્રતિ લીટર રૂપિયા 25.37 વધારે ચૂકવવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
માછીમારી કરતા માછીમારોને આ ભાવ વધારો કોઈપણ ભોગે પરવડે તેમ ન હોવાનું જણાવી, છેલ્લા ઘણા સમયથી માછીમારોને વિવિધ પ્રકારની સમસ્યાઓ વચ્ચે ડીઝલનો આ ભાવ વધારો દુકાળમાં અધિક માસ સમાન સાબિત થવાના પ્રતિભાવો તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યા છે.આના અનુસંધાને ઓખા સ્થિત ઓખા સાગરપુત્ર ફિશિંગ બોટ એસોસિએશનના માછીમાર આગેવાનો દ્વારા આ મુદ્દે કેન્દ્રના મત્સ્ય પાલન, પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરષોત્તમ રૂપાલાને સંબોધીને એક લેખિત આવેદનપત્ર દ્વારકાના પ્રાંત અધિકારીને પાઠવી, ડીઝલના આ ભાવ તેઓ માટે રિટેલ પંપ સાથે સંલગ્ન નહીં કરવામાં આવે તો તેઓનો માછીમારી વ્યવસાય બંધ થવાનું જણાવી તેને સંલગ્ન તમામ વ્યવસાય પણ પડી ભાંગે તેવી પરિસ્થિતિ ઊભી થવાની સંભાવના હોવાનું જણાવ્યું છે. જેથી આ સમસ્યાઓનો વહેલી તકે ઉકેલ લાવવા આ પત્રમાં રજૂઆત કરવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા ગત તારીખ 5 માર્ચના રોજ ઓખા આવ્યા હતા, ત્યારે પણ તેમને આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. અગાઉના સમયમાં યુ.પી.એ. સરકાર વખતે આ પ્રકારની પરિસ્થિતિમાં તત્કાલીન કૃષિ મંત્રી શરદ પવારના આદેશ બાદ માછીમારોને મળતા ડીઝલના ભાવ રિટેલ પંપના ભાવ નજીક જ કરી આપવામાં આવ્યા હતા. જેથી તેઓના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું હતું. આ જ પ્રમાણે હાલની પરિસ્થિતિમાં અહીંના માછીમારોએ વર્તમાન સરકાર પાસે અપેક્ષા રાખી, તેઓના ડીઝલના ભાવમાં ઘટાડો થાય તેવી માંગ કરી છે.આ બાબતે સૌરાષ્ટ્ર ભરના માછીમાર આગેવાનો દિલ્હી જઈ અને ઉચ્ચ કક્ષાએ રૂબરૂ રજૂઆત કરનાર હોવાનું પણ જાણવા મળ્યું છે.