Mysamachar.in-ગાંધીનગરઃ
થોડા સમય પહેલા જ કેન્સરના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં સૌથી વધુ કેન્સરના કેસ ગુજરાતમાં નોંધાયા હોવાનું સામે આવ્યું હતું. એમા પણ કેન્સર થવાના કારણોમાં સૌથી વધુ તમાકુના કારણે કેન્સર થયું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હાઇ ઓન લાઇફ ફાઉન્ડેશન દ્વારા મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખી ચાવવાની તમાકુના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ લગાવવાની રજૂઆત કરી છે. આ ફાઉન્ડેશન લોકોમાં વ્યસન અંગે જાગૃતિ લાવવાના અનેક કાર્યક્રમો યોજે છે. ઇ સિગારેટ પર પ્રતિબંધ કડકપણે અમલવારી થતા હવે મોટી સંખ્યામાં લોકોમાં જોવા મળતાં તમાકુના વ્યસન પર લગામ લગવવા માટે પગલા ભરવાની અપીલ કરવામાં આવી છે. ઇ સિગારેટમાં નિકોટીનની માત્રા હોવાને કારણે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, ત્યારે તેનાથી જ વધુ જોખમી વસ્તુ જેવી કે તમાકુ પર પ્રતિબંધ લગાવવાની માગ ઉઠી છે. રાજ્યમાં દરવર્ષે ચાવવાના તમાકુથી મોટી સંખ્યામાં લોકો મોતને ભેટે છે. હાલમાં જ જાહેર કરાયેલાં નેશનલ હેલ્થ પ્રોફાઇલ 2019ના આંકડા મૂજબ ભારતમાં એક વર્ષમાં મોંઢાના કેન્સર સહિત સામાન્ય કેન્સરના કેસોમાં 300 ટકાથી વધુની વૃદ્ધિ થઇ છે તેમજ ગુજરાતમાં કેસોની સંખ્યા સૌથી વધારે છે. નેશનલ કેન્સર રજીસ્ટ્રી મૂજબ ગુજરાતમાં પુરુષોમાં કેન્સરના તમામ કેસોમાં 56.3 ટકા તમાકુ સંબંધિત કેન્સર હોય છે. આ આંકડા મૂજબ મોંઢાના કેન્સરમાં અન્ય રજીસ્ટ્રીની સરખામણીમાં અમદાવાદ ટોચના સ્તરે છે.