Mysamachar.in-અમદાવાદ:
સ્થાનિક કક્ષાથી માંડીને છેક હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી ઘણાં કાનૂની વિવાદો કે જેમાં રાજ્ય સરકાર પક્ષકાર હોય છે તેવા કેસો વર્ષો સુધી લંબાતા રહેતાં હોય છે, ઘણી અપીલો એવી પણ હોય છે જેમાં સરકાર વિલંબથી આગળ વધતી હોય છે અને ઘણાં અદાલતી ચુકાદાઓ એવા પણ હોય છે જેનો લાભાર્થી વર્ગ મોટો હોય છે અને બીજી તરફ એવું બનતું હોય છે કે, આવા વિવાદોમાં કોઈ એકાદ પક્ષકાર મુદ્દે સરકાર વિલંબથી પણ અપીલમાં જતી હોય છે.
અપીલોનો આ મામલો હાલ વડી અદાલતમાં ચાલી રહ્યો છે. વડી અદાલતે રાજ્ય સરકારને સલાહ આપી છે કે, રાજ્યના કાયદા વિભાગ અને વહીવટ વિભાગે કોઈ અપીલ દાખલ કરવાના મામલામાં સામસામું વાક્યુદ્ધ ન ખેલવું જોઈએ. એકબીજા પર દોષારોપણ ન કરવું જોઈએ. વડી અદાલતે સરકારને એમ પણ કહ્યું કે, જે વિવાદમાં કાનૂની ચુકાદાનો લાભાર્થી વર્ગ મોટો હોય તેવા કેસોમાં સરકારે અપીલ દાખલ કરવાથી દૂર રહેવું ઈચ્છનીય લેખી શકાય.
વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂદ્ધા માયીની ખંડપીઠ અપીલો દાખલ કરવા માટેની સરકારની લિટિગેશન પોલિસીનું ઘડતર કરવાના મુદ્દામાં સુનાવણી કરી રહી હતી. અદાલતે કહ્યું કે, સરકારે આ બાબતે કલીયર પોલિસી લાવવી જોઈએ. સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ અદાલતમાં કહ્યું કે, સરકાર લિટિગેશન પોલિસીનો ડ્રાફ્ટ અદાલતમાં દાખલ કરી રહી છે, જેમાં હાલની પોલિસીની કેટલીક જોગવાઈઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ડ્રાફ્ટ પોલિસીમાં એ બાબતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કે, જે અધિકારીઓ અપીલ દાખલ કરવામાં વિલંબ કરે, તેની વિરુદ્ધ કાર્યવાહીઓ પણ કરી શકાય. આ પોલિસી અંતર્ગત કાયદામંત્રીના અધ્યક્ષસ્થાને એક કમિટીની પણ રચના કરવામાં આવશે જેમાં અન્ય વિભાગોના અધિકારીઓ સભ્યો તરીકે હશે. આ કમિટી એવા કેસોનો નિર્ણય કરશે જેમાં એ નક્કી કરવાનું હોય કે, સરકારે અપીલ દાખલ કરવી કે નહીં. અને, કાયદા વિભાગ તથા વહીવટ વિભાગ વચ્ચે ધારો કે અપીલ દાખલ કરવા મુદ્દે મતભેદ હશે તો તેવા મામલામાં આ કમિટી આખરી નિર્ણય કરશે.
હાલમાં એવી પ્રથા છે કે, અપીલ દાખલ કરવા મુદ્દે કાયદા વિભાગ તરફથી સંબંધિત વિભાગને ઓપિનિયન મોકલવામાં આવે છે. હાલ ઘણાં કેસોમાં એવું પણ બને છે કે, કાયદા વિભાગની ભલામણ અલગ પ્રકારની હોય છે છતાં સંબંધિત વિભાગ પોતાની રીતે અપીલ દાખલ કરી આગળ વધે છે. આ રીતે સરકારી વિભાગોએ એકબીજા પર જવાબદારીઓ ન ઢોળી દેવી જોઈએ, એમ અદાલતે કહ્યું.
સરકાર વતી આ સુનાવણીમાં એડવોકેટ જનરલે એમ કહ્યું કે, સરકાર અપીલ દાખલ કરવા માટેની ટાઇમ લાઈન ફીકસ કરશે. અને, અપીલ દાખલ કરવી કે કેમ, તે બાબતે આખરી નિર્ણય માટે સરકાર કમિટીની રચના પણ કરશે. વડી અદાલતે આ સુનાવણીમાં સરકારનો જવાબ સાંભળી લીધો છે અને હવે અદાલત આગામી સુનાવણી 4 એપ્રિલે યોજશે.