Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાત વિધાનસભાની પ્રશ્નોતરી કાળ દરમિયાન તા.31/12/2024ની સ્થિતિએ રાજ્યમાં IAS અધિકારીઓની કુલ મંજૂર અને ખાલી જગ્યાઓ તેમજ સેન્ટ્રલ ડેપ્યુટેશનની સ્થિતિ સંદર્ભે પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં IAS અધિકારીનું મંજુર મહેકમ 313 છે. જેમાં 14 અધિકારી હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે અને 56 જગ્યાઓ ખાલી છે.
મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતુ કે, ફેબ્રુઆરી-2025 દરમિયાન SCS (રાજ્ય મુલ્કિ સેવા) અધિકારીઓમાંથી બઢતીથી 20 તથા Non-SCS અધિકારીઓમાં પસંદગીથી 02 મળીને કુલ-22 IAS અધિકારીઓ, તેમજ ઑક્ટોબર-2025 સુધીમાં સીધી ભરતીથી અંદાજિત 08 IAS મળીને 30 IAS અધિકારીઓ રાજ્ય સરકારને ઉપલબ્ધ થશે.

વધુ વિગતો આપતાં તેમણે જણાવ્યું હતું કે, IAS(કેડર) રુલ્સ 1954 પ્રમાણે IAS માળખું કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારનાં પરામર્શમાં નક્કી કરાય છે. જેની દર પાંચ વર્ષે સમીક્ષા કરવામાં આવે છે.છેલ્લે વર્ષ-2018 માં થયેલ સમીક્ષા પ્રમાણે IAS સંવર્ગમાં હાલ 313 મહેકમ નિર્ધારીત થયેલ છે .જેમાં કેડર પોસ્ટ એટલે કે સીનિયર ડ્યુટી પોસ્ટ-170, સેન્ટ્રલ ડેપ્યુટેશન રીઝર્વ – 68, ,સ્ટેટ ડેપ્યુટેશન રીઝર્વ – 42, લીવ રીઝર્વ – 28 અને ટ્રેનિંગ રીઝર્વ – 05 છે.ગુજરાત સરકાર દ્વારા વર્ષ- 2024 માં 343 એટલે કે નવીન 30 IAS ની જગ્યાઓ વધારી સંખ્યાબળ નિર્ધારિત કરવા માટે કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે.
દર વર્ષે સીધી ભરતીથી 8 થી 9 IAS મળતા રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતને સીધી ભરતીથી કુલ 41 IAS અધિકારી મળ્યાં છે. રાજ્યમાં IAS માટે સીધી ભરતીથી નિર્ધારીત જગ્યાઓ 218 છે જેમાં હાલ 190 ભરાયેલી છે. બઢતીથી IAS માં નિયુક્ત થવા પાત્ર જગ્યાઓ 81 છે જેમાં 57 ભરાયેલી છે. પસંદગીથી IASમાં નિયુક્ત થવા પાત્ર (નોન સિવિલ સ્ટેટના અધિકારીઓમાંથી) કુલ 14 જગ્યાઓ પૈકી 10 ભરાયેલ છે. આમ કુલ નિર્ધારીત મહેકમ 313 માંથી 257 ભરાયેલ છે.
