Mysamachar.in-જામનગર:
જામનગરના વધુ એક યુવાન સાથે લગ્નના નામે છેતરપિંડી થઈ છે. આ સંબંધે આ યુવાને જામનગરની એક મહિલા અને રાજકોટના કુલ 6 વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. આ યુવાન સાથે જેના લગ્ન થયા હતાં એ મહિલાએ યુવાનને 48 કલાકમાં જ કહી દીધું કે, મારે અહીં રહેવું નથી, મેં માત્ર રૂપિયાની જરૂરિયાત માટે જ લગ્ન કર્યા હતાં. તમે બધાએ મને ફસાવી દીધી, હું મરી જઈશ. આ મામલાએ ચકચાર જગાવી છે.
આ મામલામાં ફરિયાદી યુવાનનું નામ જીગ્નેશભાઈ ગુણવંતરાય ખેતિયા છે જે 46 વર્ષના છે અને પટેલકોલોની નજીક લાલબહાદુર શાસ્ત્રી સોસાયટીમાં વસવાટ કરે છે અને ખાનગી કંપનીમાં એમ.આર. તરીકે નોકરી કરે છે. તેને 17 વર્ષની દીકરી અને 14 વર્ષનો દીકરો છે અને આ ફરિયાદી યુવાને કેટલાંક મહિનાઓ અગાઉ પોતાની પ્રથમ પત્ની સાથે છૂટાછેડા લીધેલા છે.
પત્ની સાથેના છૂટાછેડા બાદ આ યુવાનને અન્ય કોઈ સારા સ્ત્રી પાત્રની લગ્ન માટે તલાશ હતી તે દરમ્યાન આ યુવાનનો ભેટો મીતા ખેતિયા નામની એક મહિલા સાથે થયો. આ મહિલા મેરેજ બ્યૂરો ચલાવે છે અને જામનગરમાં રામેશ્વરનગર પાછળના વિસ્તારમાં મધુરમ રેસિડેન્શિમાં વસવાટ કરે છે. આ મહિલા સાથે ફરિયાદીને સામાન્ય ઓળખાણ હોવાથી ફરિયાદીએ આ મહિલાને, લગ્ન માટે કોઈ સારૂં પાત્ર શોધી આપવા ભલામણ કરી હતી.
બાદમાં, દસેક દિવસ પછી મિતા ખેતિયા નામની આ મહિલાએ ફરિયાદીને વોટ્સએપ પર એક યુવતીનો ફોટો મોકલાવી, આ યુવતિ પસંદ હોય તો વાત આગળ વધારીએ એમ કહેલું. બાદમાં આ વાત આગળ વધી. ગત્ તા. 24-05-2025ના રોજ સાંજના સમયે મીતા ખેતિયાના ઘરે આ યુવતિ સાથેની આ ફરિયાદી યુવાનની મુલાકાતની ગોઠવણ થઈ.
મિતા ખેતિયાના ઘરે જીગ્નેશભાઈ ખેતિયા આ મુલાકાત માટે પહોંચ્યા ત્યારે ત્યાં, રાજકોટનો મુકેશ નામનો શખ્સ, નૂરી નામની યુવતિ તથા આ યુવતિના ભાઈ તથા ભાભી હાજર હતાં. ત્યારબાદ જીગ્નેશભાઈના ઘરે એક મુલાકાતનું આયોજન થયું. આ બે મુલાકાત બાદ જીગ્નેશભાઈ અને તેના માસી નીલાબેન જોશી નૂરી નામની યુવતિ સાથે લગ્નની વાત આગળ વધારવા મિતા ખેતિયાના ઘરે ગયા હતાં.
મિતા ખેતિયા સાથેની આ મુલાકાતમાં એવું નક્કી થયું કે, જીગ્નેશભાઈ આ લગ્ન માટે મિતા ખેતિયાને રૂ.1,80,000 આપે અને મિતા ખેતિયા નૂરી નામની કન્યા સહિતના લોકોને બીજે દિવસે સવારે જામનગર બોલાવી લ્યે. બીજે દિવસે જીગ્નેશભાઈ અને નૂરીએ મધુરમ સોસાયટીમાં આવેલા શ્રી મધુરેશ્વર મહાદેવ મંદિરમાં એકમેકને ફૂલહાર કર્યા અને બાદમાં આ આખો કાફલો જામનગર કોર્ટમાં પહોંચ્યો. લગ્નનું લખાણ થયું. સૌ સાથે જમ્યા અને જીગ્નેશભાઈએ વાત થયા મુજબ આ લગ્ન માટે રૂ. 1,80,000 રોકડા મિતા ખેતિયાને આપ્યા.
ત્યારબાદ નૂરી નામની આ યુવતિ જીગ્નેશભાઈના ઘરે 2 દિવસ રહી. તે દરમ્યાન એક પણ વખત જમી નહીં અને તેણીએ જીગ્નેશભાઈને એમ કહ્યું કે, તમે બધાએ મને ફસાવી છે. હું મરી જઈશ. આથી ગભરાયેલા જીગ્નેશભાઈએ રાજકોટવાળા મુકેશ મકવાણાને આ અંગે ફોન કર્યો. ત્યારબાદ આખો કાફલો રાજકોટમાં ભેગો થયો. જ્યાં શબ્બીર નાગોરી નામના કોઈ શખ્સની આ મામલામાં એન્ટ્રી થઈ.
ત્યારબાદ આ બધાં લોકો વચ્ચે નાણાંના ભાગ પાડવા સહિતના મામલે તથા જીગ્નેશભાઈએ નાણાં પરત માંગતા બબાલ થઈ. આ મામલામાં મુકેશ મકવાણાને રૂ. 1,20,000 તથા મિતા ખેતિયાને રૂ. 20,000 અને બાકીના નાણાં નૂરી તથા તેના ભાઈ ભાભીને આપવામાં આવ્યાનું ફરિયાદીએ જણાવ્યું છે અને ફરિયાદમાં લખાવ્યું છે કે, નૂરી મારી સાથે 2 દિવસ જ રહી છે. અને આ કુલ 6 લોકોએ મારી સાથે છેતરપિંડી કરી છે.
આ મામલાની ફરિયાદ જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે જેમાં આરોપીઓ તરીકે મિતા ખેતિયા, મુકેશ ભીખા મકવાણા, દુલ્હન નૂરી, નૂરીના ભાઈ અને ભાભીનું નામ લખાવાયું છે. તથા રાજકોટના શબ્બીર નાગોરીનું નામ છે. પોલીસ આ મામલાની કડીઓ મેળવી રહી છે.