Mysamachar.in:જામનગર
જામનગર શહેર અને જીલ્લામાં છેલ્લા કેટલાક સમયથી હત્યા અને લુંટ ચોરી સહિતની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે તાજેતરમાં લાલપુરના રાફુદળ ગામે યુવતીની હત્યા નીપજાવી હત્યારો ફરાર થઇ ગયા બાદ પણ પોલીસ તેના સુધી પહોચવામાં નિષ્ફળ રહી છે તેવામાં મહિલાની હત્યાની વધુ એક ઘટના દરેડ નજીકથી સામે આવી છે, આ અંગે પોલીસ ચોપડે નોંધાયેલ વિગત મુજબ,
જામનગર નજીક આવેલા દરેડ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ નળી વિસ્તારમાં ખોલી નં.6માં રહેતી પરપ્રાંતિય મહિલા મીનાબેન કમલસિંગ બઘેલાની લાશ મળી આવતા પોલીસ દોડી ગઇ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલાના ગળા પર ઈજાઓના નિશાન જેથી તેને ગળાફાંસો ખાધો હોય તેવું લાગતું હતું, પરંતુ પારિવારિક કોઇ ઝઘડો ન હોવાનું સામે આવતા પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી, જેમાં મહિલાનું પાછળથી ગળુ દબાવીને હત્યા થઇ હોવાનું બહાર આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. પોલીસે અજાણયા શખસ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મરનાર મીનાબેનનો પતિ કમલાસિંગ મજૂરી કામ કરે છે અને તે તેની પત્નિ અને ત્રણ બાળકો સાથે દરેડમાં રહે છે તેવું જાહેર થયું છે.