જામનગર સહિત સમગ્ર રાજ્યમાં થોડા થોડા સમયના અંતરે દુર્ઘટનાઓ સર્જાતી રહે છે, દુર્ઘટનાઓ આકાર લઈ લ્યે અને કોઈ નિર્દોષનો ભોગ લેવાઈ જાય પછી સરકારી આર્થિક સહાય સહિતની મીઠડી વાતો, લોકરોષને ઠંડો પાડવા થતી રહેતી હોય છે પરંતુ દુર્ઘટના અટકાવવા માટે અગાઉથી સમયસર પગલાંઓ લેવાતાં હોતા નથી અને ઘણાં કિસ્સાઓમાં તો કોઈની બેદરકારીઓ અન્ય કોઈ નિર્દોષનો ભોગ લઈ લ્યે એવું પણ બનતું રહે છે !
જામનગરનો એક કરૂણ બનાવ આ સંદર્ભે એકદમ તાજો છે. જેમાં 42 વર્ષના એક યુવાનનો ભોગ લેવાઈ ગયો છે, જેને પરિણામે શહેરના શંકરટેકરી વિસ્તારમાં મહાનગરપાલિકા પ્રત્યે ભારે રોષ અને ગુસ્સો જોવા મળી રહ્યા છે. આ કરૂણ બનાવ ગત્ શનિવારે બપોરે બન્યો હતો.
આ દુ:ખદ ઘટનાની પ્રાપ્ય વિગત અનુસાર, ગત્ શનિવારે બપોરે આશરે બારેક વાગ્યા આસપાસ શહેરના શંકરટેકરી વિસ્તારમાં મહાનગરપાલિકાના પાણીના સમ્પ અને ESR વિસ્તારમાં કોર્પોરેશન હસ્તકની એક લાંબી અને જર્જરીત દીવાલ ધસી પડી અને તેને કારણે નજીકના રહેણાંક વિસ્તારમાં ભારે દોડધામ થઈ પડી.
વિગતો એવી પણ બહાર આવી છે કે, આ દીવાલ ધસી પડી એ અગાઉની થોડી મિનિટો પહેલાં અહીં દીવાલ પાસે રમી રહેલાં કેટલાંક બાળકોને મોટેરાઓએ આ દીવાલ જર્જરીત હોવાથી અહીંથી દૂર રમવા કહેલું. બાળકો દૂર જતાં રહ્યા અને બાદમાં દીવાલ ખરેખર ધસી પડી. આ દીવાલ ધસી પડતાં અયુબભાઈ નામના 42 વર્ષના એક યુવાનનું મોત નીપજયું છે.
આ શ્રમિકને ઈજાગ્રસ્ત હાલતમાં પ્રથમ જામનગરની જીજી હોસ્પિટલમાં અને બાદમાં રાજકોટની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી પરંતુ તેનો જીવ બચાવી શકાયો નથી. શહેરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશને જણાવ્યું છે કે, આ ઘાયલનું મોત નીપજયું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર મહાનગરપાલિકા શહેરમાં ખાનગી જર્જરીત બાંધકામોને દર ચોમાસા અગાઉ નોટિસ મોકલાવે છે અને લોકો કહે છે તેમ, મહાનગરપાલિકા ખુદના જર્જરીત બાંધકામો પ્રત્યે ઉપેક્ષા અને બેદરકારીઓ સેવે છે. એમ પણ જાણવા મળે છે કે, શંકરટેકરીમાં આવેલો એક ESR 40 કરતાં વધુ વર્ષો જૂનો છે. આ ટાંકો ક્યારેક અચાનક તૂટી પડશે તો ? લોકો આ ભયથી પણ ફફડી રહ્યા છે.
આ ઉપરાંત એમ પણ જાણવા મળે છે કે, ગત્ શનિવારે આ જર્જરીત દીવાલ તૂટી પડી એ પહેલાં આ દીવાલ નજીક પુષ્કળ પાણી એકત્ર થયેલું. આ પાણી કોઈની બેદરકારીને કારણે એકઠું થયેલું એવી પણ ચર્ચાઓ છે. અહીં એકઠાં થયેલાં પાણીના દબાવને કારણે આ જર્જરીત દીવાલ તૂટી પડી એમ પણ માનવામાં આવે છે. જો કે આ સમગ્ર દુર્ઘટના અંગે મહાનગરપાલિકાએ હજુ સુધી કોઈ સત્તાવાર વિગતો બહાર પાડી નથી. એમ પણ માનવામાં આવે છે કે, આ દુર્ઘટનાને કારણે આ વિસ્તારના લોકોમાં JMC પ્રત્યે ભારે રોષ અને આક્રોશ હોવાને કારણે JMCના અધિકારીઓ અને આગેવાનો આ વિસ્તારમાં જતાં પણ ડરી રહ્યા છે !
અત્રે ઉલ્લેખનિય છે કે, તંત્રોની ફીતરત એવી પણ હોય છે કે, જ્યાં સુધી દુર્ઘટનાઓ ન સર્જાય ત્યાં સુધી સંબંધિત બાંધકામોના સમારકામ અને નિર્માણ અંગેના કાગળિયા આયોજનના અર્થમાં ચીતરાતા રહેતાં હોય છે અને દુર્ઘટનાઓ સર્જાઈ જાય પછી સરકારી આર્થિક સહાય અને મદદના કાગળો તૈયાર થઈ રહ્યા છે એવી વાતો વહેતી કરી લોકરોષ ઠંડો પાડવાની ટેકનિક અપનાવવામાં આવતી હોય છે, આ કરૂણ ઘટનામાં પણ આમ બની રહ્યાનું જાણવા મળી રહ્યું છે.