Mysamachar.in-જામનગર:
જામનગરની મેડિકલ કોલેજ વધુ એક વખત સમાચારમાં ચમકી છે. મેડિકલ કોલેજના એક છાત્રએ ગળાફાંસો લગાવી લઈ જિવ આપી દીધો છે. આ સંબંધે મૃતકના પિતાએ પોલીસમાં જાણ કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ છાત્રના મોતની જાણ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના મુવાણા ગામમાં રહેતાં અને ખેતીકામ કરતાં રણછોડભાઈ જિવાભાઈ પરમારે પોતાનો પુત્ર ડોક્ટર બની જશે એવા અરમાન સાથે પુત્ર વિવેકને જામનગરની મેડિકલ કોલેજમાં અભ્યાસ માટે પ્રવેશ અપાવ્યો હતો પરંતુ પિતાને ક્યાં ખબર હતી કે, પુત્રનું નસીબ પાધરૂં નથી.
રણછોડભાઈ પરમારે પોલીસમાં જાહેર કર્યું છે કે, તેનો 20 વર્ષનો પુત્ર વિવેક મેડિકલ કોલેજ હોસ્ટેલના રૂમ નંબર C-21, 01 માં રહેતો હતો અને મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો. વિવેકે ગત્ રોજ પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો. પિતાએ વધુમાં જણાવ્યું છે કે, તેના પુત્ર વિવેકે મિત્રો પાસેથી હાથઉછીના નાણાં લીધાં હતાં. આ બાબતે વિવેકે પિતા સાથે ફોન પર વાતચીત કરી હતી, તે દરમ્યાન ચિંતિત પિતાએ પુત્રને ઠપકો આપ્યો આથી વિવેકને મનમાં લાગી આવ્યું અને જિંદગી ટૂંકાવી લીધી !
સામાન્ય રીતે એમ માનવામાં આવતું હોય છે કે, તબીબી વિદ્યાશાખામાં ભણતાં છાત્ર અને છાત્રા ખૂબ હોંશિયાર હોય છે અને તેમની જિંદગીઓ ખૂબ શિસ્તબદ્ધ હોય છે. પરંતુ હકીકત એ છે કે, ઘણાં તબીબી છાત્ર અને છાત્રા આ રીતે જુદાજુદા કારણોસર જિંદગીઓ ટૂંકાવી લઈ વાલીઓ અને પરિવારોના અરમાન મારી નાંખતા હોય છે.(Symbolic image)