Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી અવિરત રીતે જુદા જુદા વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અઢી ઈંચ તેમજ ખંભાળિયા તાલુકામાં દોઢ ઈંચ સુધીનો વરસાદ સરકારી ચોપડે નોંધાયો હતો. આ સાથે શનિવારે દ્વારકા તાલુકામાં પણ અડધા ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. આ વરસાદના કારણે હાલાકી સાથે ખેતરોમાં નુકસાનીનો માહોલ જોવા મળ્યો હતો.
વરસાદી માવઠાના શુક્રવારથી શરૂ થયેલા રાઉન્ડમાં શનિવારે દ્વારકા તાલુકામાં સાંજના સમયે અડધો ઈંચ (15 મી.મી.) પાણી પડી ગયું હતું. જેના કારણે દ્વારકાના રસ્તાઓ પાણીથી તરબતર બન્યા હતા. જ્યારે ગઈકાલે રવિવારે કલ્યાણપુર તાલુકામાં વરસાદના ભારે વરસાદના કારણે સાંજે બે કલાક જેટલા સમયગાળા દરમિયાન સવા બે ઈંચ (55 મી.મી.) તેમજ આ પૂર્વે શનિવારે 4 મી.મી. પાણી પડી ગયું હતું. જેના કારણે આ માવઠાથી ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો પાણીથી તરબતર બની ગયા હતા.
જ્યારે ખંભાળિયામાં પણ બે દિવસના અવિરત મેઘાવી માહોલ વચ્ચે રવિવારે દોઢ ઈંચ (40 મી.મી.) પાણી પડી ગયું હતું. આ સાથે મોસમનો કુલ વરસાદ સૌથી વધુ ખંભાળિયામાં 96 ઈંચ (2390 મી.મી.), દ્વારકામાં 89 ઈંચ (2228 મી.મી.), કલ્યાણપુરમાં 83 ઈંચ (2064 મી.મી.) અને ભાણવડમાં 67 ઈંચ (1666 મી.મી.) થવા પામ્યો છે.
– અનેક ખેતરોમાં રહેલા પાક નિષ્ફળની સ્થિતિ –
જિલ્લામાં બે દિવસના વરસાદના કારણે સૌથી વધુ કલ્યાણપુર બાદ ખંભાળિયા તેમજ ભાણવડના કેટલા ગ્રામ્ય વિસ્તારોમાં વાવવામાં આવેલા મગફળી તથા કપાસના પાક માટે માવઠા ના કારણે અનેક સ્થળોએ પાક નિષ્ફળ જવાની પરિસ્થિતિ સર્જાય છે. ખેતરોમાંથી મગફળી કાઢી મુકેલા ખેડૂતોની મગફળી પર કમોસમી વરસાદથી માલ પલળી જવાના કારણે મગફળી ઉગવા માંડી છે. તો તૈયાર મગફળી કાઢવામાં ન આવતા તે જમીનમાં ફરી ઊગી નીકળે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.સતત ચાર માસથી વ્યવસ્થિત પાક માટે મહેનત કરતા ખેડૂતો માઠી દશામાં મુકાઈ ગયા છે અને દિવાળી પર્વે તેઓ માટે હોળીની સ્થિતિ સર્જાઈ છે.
– ભર ચોમાસે હોય તેવી પૂર જેવી પરિસ્થિતિ –
છેલ્લા આશરે એકાદ સપ્તાહ દરમિયાન ખંભાળિયા, ભાણવડ તથા કલ્યાણપુર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં છ ઈંચ સુધીનો વરસાદ વરસે જતા ઘેરો અષાઢી માહોલ છવાઈ ગયો છે. ખંભાળિયા નજીકના માંઝા, કોલવા, ભટ્ટગામ, સુતારીયા વિગેરે ગામોમાં ભારે પવન તેમજ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.કલ્યાણપુર તાલુકામાં શનિવારે તથા રવિવારે કલ્યાણપુર ઉપરાંત ભાટિયા, પાનેલી, દુધિયા, ધતુરીયા, ટંકારીયા, દેવળિયા, વિગેરે ગામોમાં ધોધમાર વરસાદ વરસી જતા ખેતર ઉપરાંત રસ્તાઓ પણ જાણે નદીમાં ફેરવાઈ ગયા હતા. જેના કારણે વાહન ચાલકો સાથે ધરતીપુત્રોએ પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તૈયાર થઈ ગયેલા મગફળીના પાકોમાં ભારે વરસાદ પડતાં મહદઅંશે પાક બગડી ગયો છે. ઉપરાંત કેટલાક સ્થળોએ તો ઘાંસ સહિતની ખેતપેદાશ ઢોર પણ ન ખાય તેવી પરિસ્થિતિ થઈ ગઈ છે.(તસ્વીર અને અહેવાલ કુંજન રાડિયા)