Mysamachar.in:અમદાવાદ
જામનગર સહિત રાજ્યભરમાં આ વર્ષે ચોમાસાનાં પ્રારંભે, જૂન મહિનામાં સારો વરસાદ નોંધાયો. રાજ્યમાં મોસમનાં સરેરાશ કુલ વરસાદનો આશરે 32 ટકા જેટલો વરસાદ જૂન મહિનામાં વરસી ગયો છે. અને આગામી દિવસોમાં ફરીથી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ થશે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી ગુરુવારે તથા શુક્રવારે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. વરસાદની આ સંભાવનાઓ ઘણાં જિલ્લાઓ માટે વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ કહે છે : ગુરુવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. ગુરૂવારે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની સંભાવના છે. આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું છે કે, શુક્રવારે પણ ઉપરોક્ત વિસ્તારો ઉપરાંત સુરત,તાપી, બોટાદ અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે.
અત્રે નોંધનીય છે કે, જામનગર અને દ્વારકા સહિતના જિલ્લાઓમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં બફારાની સ્થિતિ છે. લોકો અકળામણ અનુભવી રહ્યા છે. સારો એવો વરસાદ પડતાં બે દિવસ વાતાવરણમાં ઠંડક રહ્યા પછી ગત્ રવિવારથી ફરી લોકો બફારો અને ઉકળાટ અનુભવી રહ્યા છે. ખાસ કરીને બપોરનાં સમયે ભારે તાપ પણ અનુભવાઈ રહ્યો છે. રાત્રીનાં સમયે પણ ચોમાસું ટાઢક હજુ અનુભવવા મળતી નથી. જેને કારણે લોકો પણ માની રહ્યા છે કે, આગામી દિવસોમાં વરસાદનો વધુ એક જોરદાર રાઉન્ડ શરૂ થઈ શકે છે.