Mysamachar.in:અમદાવાદ
જામનગર સહિત રાજ્યભરમાં હાલ બે-ત્રણ દિવસથી ઠંડીમાં રાહતનો અનુભવ થઈ રહ્યો છે. સવારે તથા સાંજે અને રાત્રે ઠંડીનો અહેસાસ થાય છે પરંતુ બપોરનાં સમયે તાપમાનનો પારો ઉંચકાયો છે. જો કે, હવામાન વિભાગે આગાહી કરી છે કે, ઠંડીનો વધુ એક રાઉન્ડ આવી શકે છે. અમદાવાદ હવામાન વિભાગ કહે છે : આગામી બે-ત્રણ દિવસ લઘુત્તમ તાપમાન થોડું ઉંચકાઈ શકે છે પરંતુ ત્યારબાદ ઉત્તર પૂર્વના ઠંડા પવનોને કારણે વધુ એક વખત લઘુત્તમ તાપમાન નીચું જવાની સંભાવનાઓ છે. સમગ્ર રાજ્યમાં લઘુત્તમ તાપમાન બેત્રણ ડિગ્રી નીચું જવાની શક્યતા સાથે સાથે બપોરનાં સમયે તાપમાનનો પારો ઉંચકાવાની પણ શકયતાઓ છે જેને પરિણામે લોકોએ બેવડી ઋતુનો અનુભવ કરવો પડી શકે છે. અને, આ સ્થિતિમાં શરદી તથા ખાંસીનાં વધુ કેસ નોંધાઈ શકે છે.
જામનગરનાં હવામાન આંકડા જણાવે છે કે, બે દિવસ લઘુત્તમ તાપમાન ઉંચુ ગયા પછી વધુ એક વખત આ આંકડો એક ડિગ્રી નીચો જતાં શહેર અને જિલ્લામાં ઠંડીનો હળવો ચમકારો સૌએ અનુભવ્યો. અન્ય એક નોંધપાત્ર વાત એ છે કે, અત્યારે ફેબ્રુઆરીની આઠનવ તારીખે જ મહત્તમ તાપમાનનો પારો ઉંચકાઈને 31 ડિગ્રી નોંધાઈ રહ્યો હોય, આગામી મહિનાઓમાં જામનગરમાં નગરજનોએ આકરૂં તાપમાન સહન કરવું પડી શકે છે. જામનગરમાં હાલ લઘુત્તમ અને મહત્તમ તાપમાન વચ્ચે 17 ડિગ્રી જેટલો તફાવત જોવા મળે છે જે ડબલ ઋતુ સૂચવે છે તથા તેને કારણે લોકોની એવરેજ તંદુરસ્તી પર અસરો થવાની સંભાવનાઓ છે.