Mysamachar.in-સુરત
સુરત શહેરમાં દિવસેને દિવસે ગુન્હાઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે, તો પોલીસ પણ નોંધાતા ગુન્હાઓના કઈ રીતે ડીટેકશન થઇ શકે તે દિશામાં સતત કાર્યરત હોય છે, વાત છે…સુરત શહેરના વરાછા મિનીબજાર ખાતે આવેલા ડાયમંડ વર્લ્ડમાં ઓફિસ ધરાવતા હીરાના વેપારી વસંત પટેલ વિરુદ્ધ વધુ એક દુષ્કર્મની નોંધાયેલ ફરિયાદની….આ વેપારી વિરુદ્ધ વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે, પહેલી ફરિયાદ 22 વર્ષીય યુવતીએ નોંધાવી હતી, જેથી બીજી 24 વર્ષીય યુવતીની હિંમત ખૂલતાં તેણે પણ ફરિયાદ નોંધાવી હતી. 24 વર્ષીય યુવતી પર મુંબઈની હોટલમાં દુષ્કર્મ આચર્યા બાદ ગર્ભવતી થઈ ગઈ હતી, જેથી વસંતે તેને દવા આપી એબોર્શન કરાવ્યાનું હીનકૃત્ય પણ સામે આવ્યું છે,
વેલંજા ગામ વિસ્તારમાં રહેતી એક યુવતી 1 નવેમ્બરના રોજ બહેનપણી સાથે હીરાના વેપારી વસંત પટેલ સાથે નોકરી માટે વાત કરવા ગઈ હતી. બંનેને વસંતનો ડ્રાઈવર વરાછા મિનીબજાર ખાતે ડાયમંડ વર્લ્ડમાં આવેલી ઓફિસે લઈ ગયો હતો. વસંતે ડ્રાઈવર જયેશને કોલ્ડડ્રિંક્સ લાવવા કહ્યું હતું. બન્ને યુવતીઓએ કોલ્ડ્રિંક પીધું ત્યાર બાદ બંને બેભાન થઈ ગયા હતા. જે બાદ પ્રિયંકા સાથે દુષ્કર્મ આચર્યું હતું. તેનાં કપડાં પર ડાઘ પણ હતાં, જેથી પહેલા પરિવારજનો સાથે વાત કરીને વસંત પટેલ અને તેના ડ્રાઈવર જયેશ વિરુદ્ધ 29 નવેમ્બરના રોજ વરાછા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
તો બીજા કિસ્સામાં વેડરોડ પર રહેતી 24 વર્ષીય અન્ય એક યુવતી દોઢેક વર્ષ પહેલાં સોશિયલ મીડિયાથી આરોપી વસંત ભીખા પટેલ સાથે દોસ્તી થઈ હતી. ત્યાર બાદ ફોન પર એકબીજા સાથે વાતો કરતાં હતાં. એ સમયે વસંતે યુવતીને કહ્યું, તે તેને બહુ ગમે છે. તેનો પરિવાર આફ્રિકા રહે છે. તેની સાથે મૈત્રી કરારથી રહેવા માગે છે. પહેલા તો પ્રતિમાએ ના પાડી હતી. જે બાદ વસંતે ડાયમંડ વર્લ્ડમાં આવેલી તેની ઓફિસે બોલાવી હતી.ત્યાં વસંતે ફરીથી મૈત્રી કરારથી સંબંધ રાખવાનું કહ્યું હતું. જયારે ના પાડી ત્યારે વસંતે તેની પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ યુવતીને વસંતે વારંવાર ઓફિસે બોલાવી હતી. પહેલાંનો દુષ્કર્મનો વિડિયો છે એવું કહીને તેણી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. એક વખત મુંબઈ ફરવા જવાનું કહીને ત્યાં નીલકંઠ બાર એન્ડ રૂમ્સ નામની હોટલમાં સંબંધ બાંધ્યો હતો.
મુંબઈની હોટલમાં બાંધેલા સંબંધથી પ્રતિમા ગર્ભવતી બની ગઈ હતી. ત્યારે વસંતે દવા આપતાં તેણીને ગર્ભપાત થઈ ગયો હતો. ત્યાર બાદ વસંતે તેણીના ફોનમાંથી વસંતે પોતાનો અને ડ્રાઈવર જયેશનો નંબર ડિલિટ કરીને ધમકી આપી કે તેની સાથેના સંબંધોના વિડિયો તેની પાસે છે. જો તે મળવાનો કે ફોન કરવાનો પ્રયત્ન કરશે તો સોશિયલ મીડિયા પર વિડિયો વાઇરલ કરીને બદનામ કરવાની ધમકી આપી હતી. પખવાડિયા પહેલાં વસંત વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાતાં આ યુવતીએ પણ વસંત અને તેના ડ્રાઈવર વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ તેમજ ગર્ભપાતની ફરિયાદ નોંધાવી છે.