Mysamachar.in-જામનગર:
થોડા વર્ષો પૂર્વે જામનગરના જુના ગેલેક્સી સિનેમા નજીક ખાનગી માલિકીની જગ્યા પર 12 જેટલી દુકાનોનું બાંધકામ કોઈ મંજુરી વિના કરવામાં આવ્યાનો મામલે તમામ જરૂરી કાર્યવાહીઓ બાદ આજે સવારમાં જામનગર મહાનગરપાલિકાએ ધ્વસ્ત કરી નાંખતા ઘણા દુકાનદારોની ટાઢ ઉડી ગઈ છે. કોર્પોરેશને એક સાથે બાર દુકાનોનો કડુસલો બોલાવી દીધો છે.
જામનગર મહાનગરપાલિકાની ટીપીઓ-એસ્ટેટ અને સિકયોરિટી વિભાગની ટીમોએ આજે સવારમાં જૂની ગેલેકસી ટોકીઝ વિસ્તારમાં એક મોટાં ગેરકાયદેસર બાંધકામ પર ત્રાટકી અહીં ઓપરેશન હાથ ધરેલું. અત્રે ઉલ્લેખનિય છે કે, અહીં સાડા પાંચ હજાર ફૂટ ખાનગી જમીન પર એકસાથે એક ડઝન દુકાનો બાંધકામની મંજૂરીઓ લીધાં વગર જ ખડકી દેવામાં આવેલી જેને મનપાના રસાલાએ તોડી નાખી છે.
બાદમાં આ મામલો કોર્પોરેશન અને બાંધકામ કરનારાઓ વચ્ચે કાનૂની જંગમાં પલટાયો હતો. ગેરકાયદેસર બાંધકામ કરનારાઓ છેક સુપ્રિમ કોર્ટ સુધી દાવપેચ લડ્યા પરંતુ બધે જ હાર થતાં, મહાનગરપાલિકા માટે રસ્તો મોકળો થઈ ગયો. આજે સવારે જામનગર મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીના સીધા માર્ગદર્શનમાં એસ્ટેટ વિભાગના કંટ્રોલીંગ અધિકારી મુકેશ વરણવા, એન.આર.દીક્ષિત તથા ઉર્મિલ દેસાઈ અને સુનિલ ભાનુશાળી વગેરેની હાજરીમાં આ બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. આ તકે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે જરૂરી પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો.