Mysamachar.in: જામનગર
જામનગર જિલ્લામાં હત્યાનો વધુ એક બનાવ બન્યો હોવાનું જાહેર થયું છે. અંદાજે 40 વર્ષના એક યુવાનની હત્યાનો બનાવ બનતાં જોડિયા પંથકમાં ચકચાર મચી છે અને શકમંદ આરોપીને ઝડપી લેવાના ચક્રો ગતિમાન થયા છે.સૂત્રના જણાવ્યા અનુસાર, જોડિયા તાલુકાના તારાણા પંથકમાં આ બનાવ બન્યો છે. ચર્ચાઓ એવી પણ છે કે, કોઈ તસ્કરો તસ્કરી કરવા માટે આવ્યા હતા ત્યારે તેને મૃતક યુવક પડકારવા જતા કોઈ અણબનાવ બન્યાના પગલે આ હત્યા નિપજાવવામાં આવી હોય એવું બની શકે છે. જો કે પોલીસ બનાવના સ્થળે હજુ હમણાં જ પહોંચી હોય અને પ્રાથમિક તપાસ ચાલુ હોય, હાલ આ બનાવ અંગે વધુ વિગતો જાહેર થવા પામી નથી.
Mysamachar.in સાથેની વાતચીતમાં સ્થાનિક પીએસઆઈ BL ઝાલા જણાવે છે કે, હત્યાનો આ બનાવ જોડિયા તાલુકાના તારાણા ગામ નજીક બન્યો છે. બનાવનું સ્થળ તારાણાથી એકાદ કિલોમીટર દૂર આવેલું છે. હત્યાનો બનાવ એક દુકાન પાસે બન્યો હોવાની અને મૃતકનું નામ ભૂપતસિંહ જાડેજા હોવાની પ્રાથમિક વિગતો હાલ જાણવા મળી છે. મૃતકની ઉંમર 40 વર્ષ આસપાસ છે અને બનાવના કારણ તથા શકમંદ આરોપી અથવા આરોપીઓ અંગે હાલ પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે. સત્તાવાર વિગતો મેળવવામાં આવી રહી છે અને સંબંધિતોની સામાન્ય પૂછપરછ હાથ ધરવામાં આવી છે.