Mysamachar.in:ગાંધીનગર
ગુજરાત સરકાર દ્વારા, પ્રવક્તામંત્રી દ્વારા તથા શિક્ષણમંત્રી દ્વારા તેમજ સ્થાનિક લોકપ્રતિનિધિઓ વગેરે દ્વારા વર્ષનાં 365 દિવસ શિક્ષણ સંબંધે ઘણી વાતો થતી રહેતી હોય છે પરંતુ રેકર્ડ પરની આ એક હકીકત પણ જાણી લ્યો, જેનાં વડે તમે સરકારની ઉચ્ચ શિક્ષણ પ્રત્યેની ઉદાસીનતા પિછાણી શકશો. દેશભરમાં સૌથી વધુ ખાનગી યુનિવર્સિટીઓ ગુજરાતમાં છે – આ મુદ્દો ગૌરવનો છે કે કેમ ? એ ચર્ચાનો વિષય છે. આ જ ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ મુદ્દે વાસ્તવિકતા શું છે ?! જાણો, એક ઉદાહરણનાં સહારે. ઉચ્ચ શિક્ષણ માટે નિયમોનું ઘડતર અને યુનિવર્સિટીઓનાં પરફોર્મન્સને મોનિટરીંગ કરવાની દિશામાં ગુજરાતમાં શું કામગીરી થાય છે ? એ જાણવું પણ આવશ્યક છે.
ગુજરાત સરકારે 2016માં વિધાનસભા માં એક એક્ટ પસાર કર્યો હતો. (કોઈ ધારાસભ્યોને આ એકટ યાદ હશે ?!) આ એક્ટ રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં પ્લાનિંગ તથા કો-ઓર્ડીનેશન માટે બનાવવામાં આવ્યો હતો. 6 વર્ષથી આ એકટ સરકારી કાગળો પર છે ! આ એકટનાં અમલ માટે, એકટની જોગવાઈ અનુસાર, એક કાઉન્સિલની રચના કરવાની હોય છે. ગુજરાત સરકારે આવી કોઈ કાઉન્સિલની રચના કરી જ નથી ! આ સ્થિતિમાં આ કાઉન્સિલની બેઠક યોજી કેવી રીતે શકાય ?! સાત વર્ષથી આ દિશામાં અંધારું જોવા મળે છે !
ધ ગુજરાત સ્ટેટ હાયર એજ્યુકેશન કાઉન્સિલ એક્ટ-2016 પહેલી મે, 2017થી અમલી બનાવવાનો હતો. જે અંતર્ગત આ કાઉન્સિલની રચના કરવાની હતી. એક્ટ અનુસાર, આ કાઉન્સિલ હાયર એજ્યુકેશનનાં વિકાસ માટે રાજ્યમાં સૌથી સર્વોચ્ચ સંસ્થા. અને, આ કાઉન્સિલ તે માટે સૌથી જવાબદાર સંસ્થા. આ કાઉન્સિલની રચના સાત વર્ષથી કાગળ પર છે ! દરમિયાન, રાજ્યમાં કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિનો અમલ પણ શરૂ ! 2016નો આ એકટ સરકારને યાદ હશે ?! એવો પ્રશ્ન પણ વિપક્ષે ઉઠાવ્યો છે.
આ એકટને નોટિફાઈ કરતી વખતે સરકારે ગેઝેટમાં કહેલું : આ કાઉન્સિલ રાજયની તમામ યુનિવર્સિટી તથા યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલી તમામ કોલેજોના શૈક્ષણિક, વહીવટી અને નાણાકીય પરફોર્મન્સ પર નજર રાખશે, તેનું આકલન કરશે અને તેનાં પરફોર્મન્સને સુધારવા માટે ઉપચારાત્મક ભલામણો કરશે. પાછલાં સાત વર્ષ દરમિયાન આ કાઉન્સિલની રચના જ ન કરવામાં આવી ! આ કાઉન્સિલે યુનિવર્સિટીઓ માટે ફંડની વ્યવસ્થા કરવા તથા ગ્લોબલ લેવલના નિષ્ણાંતો રાજ્યમાં ઉપલબ્ધ કરાવવા તમામ યુનિવર્સિટી અને કોલેજો માટે અભ્યાસક્રમો તૈયાર કરવા – ભલામણો કરવાની હતી, એકટ મુજબ. પાછલાં સાત વર્ષ દરમિયાન આ દિશામાં શું થયું હશે ? કલ્પના કરો.
આ ઉપરાંત પરીક્ષાલક્ષી સુધારાઓ, અભ્યાસક્રમોની ક્વોલિટી સુધારવા, રાજયનો હાયર એજ્યુકેશન પ્લાન તૈયાર કરવા, યુનિવર્સિટીઓ સંબંધિત કાયદાઓમાં ફેરફાર તથા સુધારાઓ કરવા, નવી યુનિવર્સિટીની સ્થાપના કરવા, રાજ્યમાં ખાનગી યુનિવર્સિટીઓને મંજૂરી આપવા તથા આ યુનિવર્સિટીઓનાં પરફોર્મન્સ પર દેખરેખ રાખવા સંબંધિત તમામ કામગીરીઓ આ કાઉન્સિલે હાથ ધરવાની હતી. પરંતુ સાત વર્ષ દરમિયાન આ કાઉન્સિલની રચના જ ન થઈ !